ચૂંટણી ટાણે વિખવાદ:ચીખલી તાલુકાના વંકાલ ગામે વોર્ડ નં. 1ના સભ્યના ઉમેદવાર સાથે સરપંચ અને સમર્થકોની માથાકૂટ

નવસારીએક મહિનો પહેલા
  • માજી સરપંચ અને હાલના સરપંચે માર મારવાની ધમકી આપી જાતિવિષયક ગાળો આપી
  • ઝપાઝપી કરી કપડાં પણ ફાડી નાખ્યા, ઘટનાનો વીડિયો વાઈરલ
  • ઉમેદવારે ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસ બંદોબસ્ત આપવા માટે અરજી આપી

નવસારી જિલ્લામાં ઠંડીના ચમકારા સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. આજે વહીવટીતંત્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગી ગયું છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત ગામોમાં એકબીજાના પ્રતિસ્પર્ધી ઉમેદવારોના એકબીજા સાથેના ટકરાવના બનાવ પણ વધી રહ્યા છે ચીખલી તાલુકાના વંકાલ ગામે પણ ટકરાવનો આવો જ બનાવ સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

વકાલ ગામમાં સરપંચ માટે ઉમેદવારી કરી રહેલા પ્રવીણભાઈ છગનભાઈ સોલંકી વજીફા ફળિયાના ચોતરા ઉપર પરિવાર અને સમાજના પાંચથી સાત આગેવાનો સાથે બેઠા હતા. ત્યારે ગામના માજી સરપંચ દિપક ધનજી પટેલ અને તેમના પત્ની જે હાલના સરપંચ છે તેમણે એકાએક તેમના પાસે ધસી આવીને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. ઉપરાંત માર મારવાની ધમકી આપી જાતિવિષયક ગાળો આપી હતી અને ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા હતા. આ સમગ્ર મામલે સરપંચના ઉમેદવાર પ્રવીણભાઈ સોલંકીએ ચીખલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ બંદોબસ્ત આપવા માટે અરજી આપી છે.

નોંધનીય છે કે આ સમગ્ર મામલાના વિડીયો વાયરલ થયા હતા. જેમાં બંને પક્ષ અંદરોઅંદર બાખડતા જોવા મળ્યા હતા. તેમજ એકબીજા સામે આક્ષેપો પણ કરતા જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં અરજી આવી છે, ત્યારે તપાસકર્તા અધિકારી બંન્ને પક્ષની રજૂઆત સાંભળીને યોગ્ય નિષ્કર્ષ પર આવશે અને જરૂર જણાય તો ગામમાં પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...