હાઇવે દુરસ્ત કરો:ખખડધજ રસ્તાઓને કારણે વેપારીઓને મુશ્કેલી થતા ચેમ્બર ઓફ કોમર્સ લડાયક મિજાજમાં,સાંસદ, ધારાસભ્ય અને કલેકટરને રાવ

નવસારી22 દિવસ પહેલા
  • કરોડોનો ટેકસ વસૂલવા છતાંય હાઇવે ઓથોરિટી કામગીરીનાં નામે મીંડું

ચોમાસામાં પડતા ભારે વરસાદને પગલે રસ્તાઓની હાલત કફોડી થતી હોય છે. પરંતુ આ વર્ષે નેશનલ હાઇવે નં. 48 પર સૌથી વધુ ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજના કરોડોનો ટોલ વસુલવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર ખાડા ન પુરાતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહીં ભરવાની ચીમકી સાથે તાત્કાલિક હાઇવેના સમારકામની માંગ કરવામાં આવી છે.

નેશનલ હાઇવે નં. 48 દિલ્હીથી મુંબઈને જોડતો મુખ્ય હાઇવે છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના મુખ્ય હાઈવેને વર્લ્ડ કલાસ બનાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. જ્યારે હાઇવેની જાળવણી માટે થોડા થોડા અંતરે ટોલનાકા પણ બનાવવામાં આવે છે અને રોજના લાખો રૂપિયાનો ટોલટેક્ષ પણ વાહન ચાલકો પાસેથી લેવામાં આવે છે. પરંતુ હાલમાં પડેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે. નવસારી જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર પણ ઊંડા ખાડાઓ પડ્યા છે, જ્યારે વચ્ચે પડતા ઓવરબ્રિજ પર પણ ખાડા છે અને ધારાગીરી પાસે પૂર્ણાં નદીના વચ્ચેનો પુલ પર 6 ઇંચથી ઊંડા ખાડા જ ખાડા છે. જોકે આ પુલ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ હાઇવે પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હાઇવે, હાઇવે બને એવી માંગ કરી રહ્યા છે.

હાઈવેની સ્થિતિને જોતા વાહનને નુકશાન થવા સાથે ઇંધણ પણ વધુ બળે છે. જેના કારણે લોકોને આર્થિક નુકશાની વેઠવી પડે છે. જ્યારે ખાડાઓને કારણે અકસ્માત પણ વધ્યા છે. ત્યારે નવસારીના ઉદ્યોગકારો અને મહાજનોએ નવસારી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને રજૂઆત કરતા ચેમ્બરના પ્રમુખ ભરત સુખડીયાએ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના ધારાસભ્યો, સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી ખરાબ હાઇવેને કારણે લોકોને પડતી મુશ્કેલી સાથે જ ઉદ્યોગકારોએ પણ ખાડાયુક્ત હાઇવેથી આર્થિક ભારણ વેઠવું પડી રહ્યુ છે. જેથી લાખો રૂપિયાનો ટોલટેક્ષ વસૂલવા છતાં પણ હાઇવેનું સમારકામ ન થાય એ યોગ્ય નથી. હાઇવે ઓથોરિટી સંબંધિત એજન્સી પાસેથી હાઇવે પર પડેલા ખાડાઓ પુરી સમારકામ કરે એવી માંગ કરવામાં આવી છે. નહીં તો સ્થાનિક મહાજનો અને રાજકીય પદાધિકારીઓને સાથે રાખી ટોલટેક્ષનો બહિષ્કાર કરવા સાથે જ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...