નવસારી જિલ્લામાં તસ્કરો અને ચેઈન સ્નેચરોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ ધોળેદિવસે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આજે સવારે સુરતથી નવસારી રહેલા દંપતી સાથે ધોળા પીપળા હાઈવે પર ચેઈન સ્નેચીંગનો બનાવ બન્યો હતો. આ બનાવ સમયે ગભરાઈ ગયેલા મહિલા બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો પોલીસે ચેઈન સ્નેચરની શોધખોળ હાથ ધરી છે.
જલાલપુરની શિવગંગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય રંજનબેન મનસુખભાઈ પાઘડાળ પોતાના ભાઈને મળવા પતિ સાથે બાઈક પર સુરત ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખત સવારે 9 વાગ્યે ધોળાપીપળા પાસે ધૂમ સ્ટાઈલમાં બાઈક પર 2 સ્નેચરોએ મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચીને નાસી ગયા હતા. મહિલા કંઈક સમજે તે પહેલા જ પોતાની ચેઈન બચાવવા જતા તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે નિરાલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓ કોમામાં સરી પડ્યા છે.
આ સમગ્ર ઘટનાને પગલે નવસારી ગ્રામ્ય પોલીસ દોડતી થઈ છે અને ચેઈન સ્નેચરોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. હાલમાં આ પ્રકારની ઘટનામાં વધારો થયો છે ત્યારે ગ્રામ્ય પોલીસે સીસીટીવી સહિત હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડી સ્નેચરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.