મુલાકાતથી વંચિત:સૌથી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતથી જ કેન્દ્રીય ટીમ વંચિત

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના વિપક્ષી નેતાની મુલાકાત બાદ વહીવટી તંત્રે સ્પેશિયલ પેકેજ માગતા કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારીમાં
  • રોડ, આવાસ, ખેતી, સિંચાઈ, પશુપાલન અને વીજળી વિભાગના નુકસાનનો અંદાજનો રિપોર્ટ માત્ર દોઢ દિવસમાં તંત્ર સાથે સંકલન કરી બનાવાયો

તાજેતરમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યા હતા.જેના લીધે નવસારી શહેર, ગ્રામ્ય વિસ્તાર, જલાલપોર, ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના ઘણા ગામોમાં નુકસાન થયું હતું. પૂરથી નુકસાનની સમીક્ષા માટે કેન્દ્રિય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના ચાર સભ્યોની ટીમ નવસારીની મુલાકાતે આવી હતી. દોઢ દિવસીય મુલાકાતમાં પ્રથમ દિવસે ચીખલી, ગણદેવી અને વાંસદા વિસ્તારમાં અને બીજા દિવસે નવસારી શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં આ ટીમના સભ્યો ગયા હતા.

તેઓએ દોઢ દિવસમાં વિવિધ વિભાગોમાં થયેલા નુકસાનીનો પ્રાથમિક રિપોર્ટ બનાવ્યો હોવાની માહિતી મળી છે. પૂર દરમિયાન 6 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા, 81 પશુના મોત થયા, 40 ઘરને નુકસાન જેમાં 16 મકાનો સંપૂર્ણ નાશ થયા, 80 હજાર પૂરગ્રસ્તને 6 કરોડ કેશ ડોલ્સ ચૂકવામાં આવી, 35 જેટલા જિંગાના તળાવોને પણ નુકસાન થયું હતું. ઉપરાંત ખેતીવાડી, વીજળી, પશુપાલન, સિંચાઈ વિભાગ જેવા દરેક સેક્ટરનું એવોલ્યુશન કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

કલેકટર અમિત યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂરના કારણે નદીકાંઠા વિસ્તારમા અને વિવિધ વિભાગોમાં નુકસાન બાબતે રિપોર્ટ બનાવ્યો છે. જેમાં નવસારી વહીવટી તંત્રના 12 વિભાગો સાથે સંકલન કરી કેટલું નુકસાન થયું તેની માહિતી લીધી હતી. જેમાં આ રિપોર્ટ કેન્દ્રીય સમિતિ સમક્ષ મૂકશે અને તેઓ જેમને નુકસાન થયું છે તેમના ખાતામાં નાણાં જમા કરાવશે અને નવસારી માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરશે. જોકે, પૂરગ્રસ્ત વિસ્તારમાં આ ટીમે મુલાકાત ન લીધી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.

કેટલાક લોકોએ નારાજગી વ્યકત કરી બળાપો કાઢ્યો હતો. ખાસ કરીને ભેંસતખાડા, કાશીવાડ વિસ્તારમાં જે પૂરનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે તે વિસ્તારમાં જ આ ટીમ મુલાકાત લેવાનું ચૂકી ગઇ હતી. જેને લઇને આ વિસ્તારના લોકોની ખરી સ્થિતિ અંગે જાણવાથી આ ટીમ અજાણ રહી હતી. છતાં તંત્ર દ્વારા આ વિસ્તારને ધ્યાને લઇ તેમના માટે પણ જરૂરી દરખાસ્ત થાય તેવી માગ ઉઠી છે.

અસરગ્રસ્ત વિસ્તારના પાણીના સેમ્પલો લીધા
જયારે કેન્દ્રિય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે નવસારી-વિજલપોર પાલિકાના અસરગ્રસ્ત વિસ્તાર બંદર રોડ, પૂર્ણેશ્વર-જલાલપોર, ઘેલખડી, નવસારીમાં પહોંચી નુકસાનીનું જાત નિરિક્ષણ કર્યુ હતું. દુધિયા તળાવ વોટર વર્કસની મુલાકાત લઇ પાણીના સેમ્પલોનું નિરીક્ષણ કર્યુ હતું અને કામગીરીને બિરદાવી હતી.

બીજા દિવસે પત્રકાર પરિષદમાં માહિતી આપી
કેન્દ્રિય ટીમ દ્વારા અસરગ્રસ્તની મુલાકાત બાદ નવસારી સરકીટ હાઉસ ખાતે જોઇન્ટ સેક્રેટરી સંજીવ સેહગલે પત્રકાર પરિષદ યોજીને ટીમ દ્વારા જિલ્લાની વિવિધ અસરગ્રસ્ત ગામોની મુલાકાત, એસેસમેન્ટ ફોર્મ્યુલા મુજબ આગળ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લાના પ્રભારી સચિવ કે.કે.નિરાલા, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, કેન્દ્રિય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યો તેમજ પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પૂરમાં સરકાર કરતા સંસ્થાઓ જ આગળ રહી
નવસારીમાં પૂર આવ્યા બાદ સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોને ખાદ્યસામગ્રી પહોંચાડવાની કામગીરી અત્યંત નબળી રહી હતી. નવસારીની સ્થાનિક સંસ્થાઓના યુવાનોએ પૂરના પાણીમાં જઈ લોકોને ખાદ્યસામગ્રી બાદ રાહત કીટનું વિતરણ કરવામાં સૌથી આગળ રહ્યાં હતા.

કોઇ ટીમ આવી નથી
અમને કેશડોલ સિવાય કોઈપણ પ્રકારની ઘરવખરીની સહાય આપી નથી. આજેપણ કોઈપણ સરકારી ટીમ આવી નથી. > રમીલાબેન કાંતિ રાઠોડ, અસરગ્રસ્ત, ભેંસતખાડા

ઘરવખરીની કોઈ સહાય આપી નથી
અમારા ઘરમાં સામાનને નુકસાન થયું હતું. અમારા ઘરે પણ કેશડોલ સિવાય ઘરવખરીની કોઈ સહાય આપી નથી. > મીનાબેન રાઠોડ, સ્થાનિક

સરકારની સહાયમાં પણ ભેદભાવ રખાયો
ભેંસતખાડા વિસ્તારમાં પૂરની સ્થિતિ વખતે ઘણો ભેદભાવ થયો છે. સરકારની કોઈ ટીમ સરવે માટે આવી ન હતી. > પિયુષ ઢીમ્મર, આગેવાન

પૂરગ્રસ્ત વિસ્તારમાં ટીમ ન ગઈ
નવસારી શહેરમાં નિચાણવાળા વિસ્તાર ભેંસતખાડા, દશેરા ટેકરી, મિથિલાનગરી, બંદરરોડ, કાલિયાવાડીનો અમુક વિસ્તાર, ઘેલખડીના નિચાણવાળા વિસ્તારમાં ટીમ જવાની હતી પણ અંતિમ સમયે બીજું કોઈ કામ આવતા ખરેખર નુકસાન થયું તેવા વિસ્તારમાં કેન્દ્રિય ટીમને પાલિકાના અમુક હોદ્દેદારો લઈ ગયા નહીં હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...