જાણભેદુ હોવાની ચર્ચા:નવસારીમાં વ્યંઢળના બંધ ઘરેથી રોકડા રૂપિયા 1.40 લાખની ચોરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરની લોન ભરવા માટે રકમ રાખી હતી

નવસારીમાં ઘેલખડી વિસ્તારમાં રહેતા વ્યંઢળના ઘરમાંથી ચોરટાએ રૂ. 1.40 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ જતા નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. નવસારીના ઘેલખડી વિસ્તારના નવા મોહલ્લામાં રહેતી વ્યંઢળ હસન ઉર્ફે હસીના કુંવર બશીર શા (ઉ.વ.47)ના ઘરેથી વધામણાં થકી ભેગી કરેલી રૂ.1.40 લાખની રોકડ રકમની ચોરી થવાની ઘટના સામે આવી છે.

ગુરૂવારે સવારે 7.00 વાગ્યાથી બપોરે 2.30 વાગ્યા સુધીના અરસામાં ઘરની ડુપ્લીકેટ ચાવીથી કે અન્ય કોઇ સાધનની મદદથી ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘરના અંદરના બેડરૂમમાં આવેલ લાકડાના કબાટમાંથી ઘરની લોન ભરવા માટે એકત્ર કરેલા રૂ.1,40,000 રોકડાની ચોરી કરી હતી. આ ઘટના પગલે પોલીસે કલમ-454 અને 380 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના પાછળ કોઇ જાણભેદુએ જ ચોરી કર્યાની ચર્ચા ચાલી રહી છે. જોકે, પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. મોડી સાંજ સુધીમાં આ પ્રકરણમાં પોલીસે શકમંદોની ઓળખ માટે પ્રયાસ શરૂ કર્યો હોવાની વિગત સાંપડી છે પણ મોડી રાત સુધીમાં ચોરી કોણે કરી તે અંગે પોલીસે ફોડ પાડ્યો ન હતો.

હાલ પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર શખસને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યંઢળોને લોકો દાન દક્ષિણા આપી ઘર પરિવાર સમૃદ્ધ બને તે માટે આર્શીવાદ મેળવતા હોય છે, પરંતુ વ્યંઢળના ઘરમાં જ ચોર ખાતર પાડે એવી નવસારીમાં પ્રથમ ઘટના ઘટી હોવાનું મનાય રહ્યું છે. પોલીસ આ કેસમાં ઝડપી કાર્યવાહી કરે તેવી વ્યંઢળોમાં માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...