ચમત્કારિક બચાવ:હાઇવે પર કાર સળગી, બે મહિલા સહિત ચારનો ચમત્કારિક બચાવ, સુરતની કારને આરક સિસોદ્રા પાસે દુર્ઘટના નડી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે બાળક,મહિલાને સામાન્ય ઇજા થતા સારવાર અપાઇ

નવસારીનાં આરક સિસોદ્રા ગામમાંથી પસાર થતા હાઈવે પર સાંજે 6 વાગ્યાનાં અરસામાં સુરતની પાસિંગવાળી કારમાં અચાનક આગ લાગતા તેમાં બેસેલા બે મહિલા સહિત ચાર સમયસર નીકળી જતા તેમનો ચમત્કારિક ઉગારો થયો હતો. ઘટના બાદ નવસારી ફાયર બ્રિગેડ હાઈવે પર જઈ આગને બુઝાવી દીધી હોવાની માહિતી મળી છે.

નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ બુધવારે સાંજે 6 વાગ્યાનાં અરસામાં સુરતની પાસિંગવાળી કાર (નં. GJ-05-RH- 4969) પસાર થઈ રહી હતી. એ સમયે કારમાં અચાનક શોર્ટસર્કિટ થતા કારમાંથી ધુમાડો નીકળવા માંડ્યો હતો. જેથી કારમાં બેસેલા ગીતાબેન પટેલ, ભારતીબેન પંડ્યા (રહે. સુરત) અને બે બાળકો સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા હતા. તેમને સામાન્ય ઈજા પહોંચી હતી.

લોકોએ કારમાં આગ લાગ્યાની નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. તેમણે નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટનાસ્થળે ધસી આવી આગને બુઝાવી દીધી હતી. આ ઘટનામાં બે બાળકો અને મહિલાને સામાન્ય ઈજા થતા તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધા બાદ સુરત પરત થયા હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...