નવસારીના બે તળાવોના એકીકરણનું કામ પૂર્ણ થતાં 2023ના અંતમાં નવસારીમાં પાણીકાપની સમસ્યા લગભગ રહેશે નહીં. જૂના નવસારી પાલિકા વિસ્તારમાં નહેરના પાણી આધારિત પાણી યોજના છે, જેમાં ઉકાઈ ડેમની નહેરનું પાણી શહેરના દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં ઠાલવી ફિલ્ટર કરી શહેરીજનોને આપવામાં આવે છે. જોકે બન્ને તળાવની સ્ટોરેજ કેપેસિટી 22 દિવસનો પાણી સંગ્રહ કરવાનો જ છે જેથી નહેરનું રોટેશન લંબાઈ અને પાણી મોડું મળે તો નગરપાલિકાને પાણીકાપ મૂકવો પડે છે, હાલ પણ કાપ મૂકી બે ટાઈમની જગ્યાએ એક ટાઇમ જ અપાઇ રહ્યું છે.
આ સ્થિતિ ટાળવા પાલિકાએ તળાવ જોડી પાણી સ્ટોરેજ કેપેસિટી વધારવાની યોજના બનાવી છે. જેમાં દુધિયા તળાવ સાથે સરબતિયા તળાવ અને ટાટા તળાવ જોડવાનું તથા જલાલપોરના દેસાઈ તળાવ સાથે થાણા તળાવ જોડવાનું છે. મળતી માહિતી મુજબ તળાવ જોડાઈ તો ગયા છે પણ પાણીના સંગ્રહ થાય તે માટે એચ.ડી.પી લાઈનિંગ (પ્લાસ્ટિક પાથરવાનું) કામ બાકી છે.
જોકે આ કામગીરીના પણ વર્ક ઓર્ડર અપાઈ ગયા છે અને કામ શરૂ થઈ રહ્યું છે, જે કામ 2023ના અંત સુધીમાં તો પૂર્ણ થઈ જ જશે એમ પાલિકાના સૂત્રો જણાવે છે. આ કામ પૂર્ણ થઈ તળાવો જોડાતા પાણી સ્ટોરેજ ક્ષમતા વધશે અને પાણીકાપ કરવો પડે એવી સ્થિતિ પેદા થશે નહીં.
50 દિવસની સ્ટોરેજ કેપેસિટી થઈ જશે
નવસારી-વિજલપોર નગરપાલિકાનું તળાવ એકીકરણનું કામ વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જશે, જેનાથી પાણી સ્ટોરેજ કેપેસિટી 50 દિવસ થઈ જતાં પાણીકાપ કરવો પડે નહીં. (હાલ 22 દિવસની તળાવની સ્ટોરેજ કેપેસિટી છે) - પ્રશાંત દેસાઈ, ચેરમેન, પાણી સમિતિ,પાલિકા
2023માં રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નહીં રહે કારણ કે..
નવસારીમાં રેલવે ફાટક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા રહે છે. ફાટક બંધ હોય સાથે ગરનાળામાં પાણી ભરાયું હોય ત્યારે હજારો વાહનચાલકોને મુશ્કેલી પડે છે. ખાસ કરીને ચોમાસાની મૌસમ દરમિયાન તો વરસાદી પાણી ભરાતા કાયમ જ મોકાણ સર્જાય છે. રેલવે ફાટકની બંને તરફ તમામ પ્રકારના વાહનોની કતાર લાગે છે. લોકોના કલાકોનો સમય વ્યય પણ થાય છે. જોકે, વર્તમાન 2023ની સાલમાં આ સમસ્યાનો ઉકેલ આવી જવાની પૂરી શક્યતા છે. રેલવેની ફ્રેઇટ કોરીડોરની યોજના અંતર્ગત નવસારી રેલવે ફાટક નજીક પણ રેલવે ફ્લાયઓવર બની રહ્યો છે. આ ફ્લાયઓવરનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને ઘણુ કામ પૂર્ણ પણ થઇ ગયું છે. સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 2023ની સાલમાં આ રેલવે ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઇ જશે અને તેના ઉપરથી વાહનો અવરજવર કરતા થઇ જશે. આ સ્થિતિમાં રેલવે ફાટક અને રેલવે ગરનાળા ખાતે અનેક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા જે સર્જાય રહી છે તેનો પણ અંત આવી જવાની પૂરી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.