સામુહિક વિરોધ:બુલેટ ટ્રેનના સ્ટોપેજ મુદ્દે કેસલી ગામે બીલીમોરા નગરપાલિકામાં ભળવા માટે સામુહિક નિર્ણય લઈ વિરોધ દર્શાવ્યો

નવસારી21 દિવસ પહેલા
  • સુએઝ લાઈન માટે પ્રતિદિન 75 કિલોલીટર પાણીની જરૂરિયાત
  • જો ગામ પાલિકામાં જોડાશે તો અમે રોડ પર આવી જઈશું : ગ્રામજનો
  • ગામોનું જોડાણ પાલિકા સાથે થાય તે અંગે બીલીમોરા પાલિકાના સીઓની ગામોને વિનંતી
  • પાલિકા શહેરી વિસ્તારમાં પૂરતી સુવિધા આપી શકતી નથી તો જોડાનાર ગામોને કેવી સુવિધા આપશે? : ગ્રામજનો

આજે મંગળવારના રોજ કેસલી ગામે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવવાનું હોવાથી સુએઝ લાઈન માટે પ્રતિદિન 75 કિલોલીટર પાણીની જરૂરિયાત હોવાથી કેસલી ગ્રામ પંચાયતની મંજૂરી માંગવાના ભાગરૂપે મિટિંગ યોજાઈ હતી. જેમાં ગામમાં સ્વતંત્ર બોરવેલ અને કુવાની સહિત ડ્રેનેજની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે, જેથી ગામને બીલીમોરા પાલિકા સાથે જોડાણની કોઈ જરૂર નથી તેવી વાત ગામે જણાવી હતી.

કેન્દ્રની ભાજપ સરકારના મહાત્વકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન માપણીની કામગીરી નવસારી જિલ્લામાં પૂર્ણ થઈ છે. નવસારી જિલ્લામાં 28 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન ઘણો મહત્ત્વનો છે. તે માટે અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું એક સ્ટોપેજ બીલીમોરા પણ હોવાથી તે માટે નજીકનું કેસલી ગામ નિર્ધારિત થયું છે. આ ડ્રિમ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન સૌપ્રથમ સુરતથી બીલીમોરા વચ્ચે આવનારા વર્ષોમાં શરૂ થનાર છે, જેના માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગત 9મી ડિસેમ્બર 2019 અને 4 ઓગસ્ટ 2021એ બીલીમોરા નગરપાલિકાને લેખિત સૂચના આપી હતી કે કેસલી ગામે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવવાનું હોવાથી પ્રતિદિન 75 કિલોલીટર પાણી સુએઝ લાઈન માટે અનિવાર્ય છે અને તેની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. જેના આધારે પાણી અને શિવરેઝની લાઇન નાખવા માટે ગ્રામ પંચાયત કેસલીની મંજૂરી માંગવામાં આવી છે અને સરકારમાંથી આ અંગે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. જેને પગલે આજે મંગળવારે કેસલી ગ્રામપંચાયતમાં મિટિંગ યોજાઈ હતી, જેમાં ગામમાં સ્વતંત્ર બોરવેલ અને કુવાની સહિત ડ્રેનેજની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે જેથી ગામને બિલ્લીમોરા પાલિકા સાથે જોડાણની કોઈ જરૂર નથી તેવી વાત એક સુર સાથે ગામે જણાવી હતી.

કેસલી ગામને બીલીમોરા નગરપાલિકામાં સમાવવા અંગે 11મી નવેમ્બરે પાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોરે એક પત્ર દ્વારા કેસલી ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીને જણાવ્યું હતું કે પાણી અને શિવરેઝની સુવિધા કરવા મળેલી સૂચના અંતર્ગત કેસલી ગામને બીલીમોરા પાલિકામાં સમાવવું જરૂરી છે. જેથી સંમતિ મળ્યેથી માંગણી મુજબની સુવિધા કરવા માટે કાર્યવાહી કરી શકાય. સંમતિ વહેલી તકે પ્રાપ્ત થાય, જેથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાને બુલેટ ટ્રેનનું પહેલું નજરાણું સુરતથી બીલીમોરા સુધીનું આવનારા સમયમાં મળી શકે. જોકે બીલીમોરા પાલિકા સમગ્ર બીલીમોરાને જેમ તેમ પાણી પહોંચાડી રહી છે, ત્યારે બુલેટ ટ્રેન માટે બીલીમોરા પાલિકા આટલા મોટા જથ્થામાં પાણીનો પુરવઠો કઈ રીતે પહોંચાડશે એ સૌથી મોટો પ્રશ્ન છે. જો બુલેટ ટ્રેનના વપરાશ માટે પાણી અપાશે તો બીલીમોરાને તકલીફ પડવાની સંભાવના રહેલી છે. બીલીમોરા નગરપાલિકામાં કેસલી, ધકવાડા, આંતલિયા, તલોધ, દેવસર, નાંદરખા બીલીમોરા નજીકના ગામો જોડાવા માટે કેટલાય સમયથી અટકળો ચાલી રહી છે, જે અંગેની અટકળો પણ વહેતી થઈ છે.

ગામના આગેવાન ઠાકોર પટેલના જણાવ્યા મુજબ એમના ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં 20 જેટલા બોર થયા છે, સાથે જ ગામમાં 3 તળાવ આવેલા છે. ગામમાં ડ્રેનેજની સુવિધા સાથે અન્ય જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે એમને પાલિકામાં જોડાઈને મુશ્કેલીમાં વધારો કરવો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જોયું છે કે શહેરી વિસ્તારમાં પાલિકા પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવી શકતી નથી, ત્યારે જો અમે જોડાઈએ તો અસુવિધામાં વધારો થશે. જેથી અમારો પાલિકામાં ભળવા સામે સખત વિરોધ છે.

બીજી તરફ બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ ડામોરના જણાવ્યા મુજબ તેમણે ગામો પર જોડાવા અંગે કોઈ દબાણ કર્યું નથી. આ સમગ્ર મુદ્દો રાજ્ય સરકારે ઉકેલવાનો છે, એટલે રાજ્ય સરકારની સૂચનાથી તમામ કામગીરી કરવામાં આવશે. અમારો વિનંતી કરતો પત્ર ગામોને મોકલવામાં આવ્યો છે, જેમાં ગામોનું જોડાણ પાલિકા સાથે થાય તે અંગે વિનંતી કરવામાં આવી છે.

6 ગામના સરપંચ અને ગ્રામજનોનું બીલીમોરા પાલિકા વિરુદ્ધ શક્તિ પ્રદર્શન
નવસારી જિલ્લાની બીલીમોરા પાલિકાની હદવિસ્તરણ મામલે 6 ગામના સરપંચ અને ગ્રામજનોએ બીલીમોરા પાલિકા વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધકવાડા હેલીપેડ ખાતે મોટી સંખ્યામાં 6 ગામના સરપંચ અને ગ્રામજનો ભેગા થઈને પાલિકાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. બીલીમોરા પાલિકાની હદ વિસ્તરણની તૈયારી કરતા જ વિરોધનો સૂર ઉઠ્યો છે. દેવસર,તલોધ, વલોટી,ધકવાડા,આંતલિયા અને નાંદરખા એમ 6 ગામોને પત્ર લખી સમંતિપત્ર માગ્યા હતા. સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન માટે યોગ્ય સુવિધા ઉભી કરવા પાલિકાએ ગામોને હદ વિસ્તારમાં સમાવવા માટેનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...