તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરથી જ આરંભ:શાકમાર્કેટની 34 દુકાનોના ઓટલા પર બૂલડોઝર, દબાણો દૂર કરવા ઉઠેલી બૂમરાણ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારી પાલિકા હસ્તકની શાકમાર્કેટમાં દુકાનોના ઓટલાનું ડિમોલીશન. - Divya Bhaskar
નવસારી પાલિકા હસ્તકની શાકમાર્કેટમાં દુકાનોના ઓટલાનું ડિમોલીશન.
  • નવસારી હવે મહાનગરપાલિકાની હરોળમાં બેઠું છે ત્યારે જ્યાંને ત્યાં ઉભા કરી દેવાયેલા દબાણો દૂર કરવા ઉઠેલી બૂમરાણ
  • શુક્રવારે મોડેમોડે નવસારી-વિજલપોર પાલિકાએ દૂધિયા તળાવ સ્થિત માર્કેટની દુકાનો ઉપર દંડો ઉગામી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરી

નવસારી શહેરમાં ઠેર ઠેર દુકાનો બહાર ઓટલાનું દબાણ છે ત્યારે શુક્રવારે પાલિકાએ પાલિકાની શાકમાર્કેટનું 34 દુકાનોના ઓટલાનું ડિમોલીશન કર્યું હતું. નવસારી વિજલપોર પાલિકાની હદમાં અનેક શોપિંગ સેન્ટરો છે અને તેમાં દુકાનો આવેલી છે. આ ઉપરાંત એપાર્ટમેન્ટોમાં ભોંયતળિયે અને છૂટીછવાય પણ દુકાનો આવેલી છે. આમ તો દુકાનો તેની નિર્ધારિત જગ્યા ઉપર જ બંધાઈ છે પણ ઘણી દુકાનોના માલિકોએ બહારની ખુલ્લી જગ્યા ઉપર ઓટલા બનાવી યા અન્ય રીતે ઉપયોગ કરી દબાણ કર્યું છે.

આ દબાણ દૂર કરાયું નથી. જોકે શુક્રવારે પાલિકાએ પોતાની જ દૂધિયા તળાવ સ્થિત શાકમાર્કેટમાં દુકાનદારોએ ઓટલા બનાવી કરેલ દબાણ સામે લાલ આંખ કરી હતી. સવારથી પાલિકા પ્રમુખ જીગીશ શાહની આગેવાનીમાં પાલિકા તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોના બહારના ભાગના ઓટલા વગેરેની ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી. માર્કેટના પૂર્વે હનુમાન મંદિર બાજુ 34 દુકાન આવેલી છે તેના બહારના ભાગના દબાણ દૂર કરી દેવાયા હતા.

સવારથી બપોર સુધી આ કામગીરી ચાલી હતી. અચાનક જ પાલિકાની ડિમોલીશનની કામગીરીથી અનેક તર્કવિતર્ક ઉભા થયા હતા. જોકે પાલિકાની શાકમાર્કેટ સિવાય શહેરમાં દુકાનોના બહારના ભાગના દબાણ દૂર કરાયા નથી. હવે આગામી દિવસોમાં નવસારી-વિજલપોર નગરપાલિકા શહેરમાં અન્ય દબાણ દૂર કરે છે કે નહીં તે જોવુ રહ્યું.

ઓટલા નીચેની ગટર બેસી જતા ડિમોલિશન
પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ બજારમાં છેલ્લા 6-8 મહિનાથી ગટરનું પાણી ‘બેક’ મારે છે તથા વરસાદી પાણીના ભરાવાનો પણ પ્રશ્ન ઉભો થયો છે. આ સ્થિતિ માટે સરવે કરતા શાકમાર્કેટમાં દુકાનોના ઓટલા ગટર ઉપર જ હોવાનું જણાયું હતું અને ગટર બેસી ગઈ હતી. જેથી પાલિકાએ તાબડતોડ દુકાનો બહારના ઓટલા તોડવાની ફરજ પડી હતી.

ભૂતકાળમાં નગરપાલિકાની દબાણ દૂર કરવાની કામગીરી દેખાવ પૂરતી જ રહીં
નવસારીમાં પાલિકા દબાણો દૂર કરવા કંઈ જ કરતી નથી એમ પણ નથી. રોડ પર નડતરરૂપ લારીગલ્લા, પાથરણાવાળાને અવારનવાર (ખાસ કરીને ફરિયાદ થતા) દૂર કરવાની કામગીરી થાય છે પરંતુ આ દૂર કરાયેલા દબાણ પુન: સ્થાપિત થઈ જાય છે. દુકાન બહારના શેડ, ઓટલા પણ યથાવત થઈ જાય છે. ઘણીવાર તો ચૂંટાયેલા સભ્યો જ દબાણ દૂર કરવા આડે યા દબાણ પુન: સ્થાપિત કરવામાં ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આગામી દિવસોમાં પાલિકા દબાણ કાયમી દૂર કરે કે નહીં તે જોવું રહ્યું.

દબાણોને લઇને અવરજવરમાં મુશ્કેલી
નવસારી શહેરમાં મહત્તમ રસ્તા હજુ સાંકડા છે અને વાહનો દિનપ્રતિદિન વધે છે. રોડની બંને બાજુની દુકાનોમાં જ્યારે બહારના ભાગે ઓટલા યા અન્ય દબાણ કરાય ત્યારે પાર્કિંગની સમસ્યા સર્જાય અને પાર્કિંગ રોડ પર નાછૂટકે થતા અવરજવરમાં મુશ્કેલી પડે છે.

દબાણો માટે સરવે કરાશે
શહેરમાં અન્ય કેટલીક જગ્યાએ કેટલી દુકાનોમાં બહારના ભાગે ઓટલા બનાવાયા છે યા દબાણ ઉભુ કરાયું છે તે સ્થિતિ જાણવા મુખ્ય વિસ્તારોમાં સરવે કરવામાં આવશે. > જીગીશ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર પાલિકા

અન્ય સમાચારો પણ છે...