માનવતાનું કામ:એંધલમાં વૃદ્ધાનું તૂટેલું ઘર બનાવી આપ્યું

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા થકી સેવાના કામો પણ થઈ શકે તે એંધલના યુવાનોએ કરી બતાવ્યું

નવસારીના એંધલ ગામે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી માનવતાનું કામ પણ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ યુવાનોએ પુરૂં પાડ્યું છે. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધા ઘરે એકલી રહેતી હોય અને ઘર પણ તૂટેલું હોય જેની જાણ સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયામાં કરતા એક ગ્રુપના સભ્યોએ ફાળો આપી આ વૃદ્ધાનું ઘર રહેવાલાયક બનાવી આપ્યું હતું. આ ગ્રુપના સભ્યો દ્વારા સેવાના કામો પણ અવિરત ચાલુ જ રહ્યાં છે.

આજના સોશિયલ ગ્રુપમાં મોટાભાગે રાજકીય કિનનાખોરી -એકબીજાને ઉતારી પાડવું કે સારી માહિતી પણ શેર કરી લોક જાગૃતિ માટે લાવવાનું એક સાધન બન્યું છે. મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં રાજા થઈ ને ફરતા હોય પણ વ્યવહાર કે સમાજમાં શુ ચાલતું હોય તેની ખબર પડતી નથી ત્યારે ગણદેવીના એંધલ ગામે ચાલતા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં એંધલ આદિવાસી સમાજ સેવા ગ્રુપના સભ્યોને કાઝીવાડ ફળિયાના યુવકો દ્વારા તેમના વિસ્તારમાં એકલી રહેતી વૃદ્ધા રતનબેન હળપતિના ઘર અંદરથી કેવું છે.

તેનો વિડીયો સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂક્યો હતો. વૃદ્ધા તૂટેલા ઘર ખુલ્લા આકાશ જેવામાં રહે છે. તરત જ ગ્રુપના અગ્રણીઓએ આ બાબતે પૂછપરછ કરી વૃદ્ધાના ઘરે જઈ તપાસ કરી બીજા જ દિવસે આ ગ્રુપના યુવાનોએ ફાળો ઉઘરાવી શ્રમદાન કરી 12 દિવસમાં વૃદ્ધા સારી રીતે રહી શકાય તેવી વ્યવસ્થા સરકારી સહાય વિના કરી આપી હતી.

લોકોના મોં ઉપર ખુશી એજ અમારા ગ્રુપનો ઉદ્દેશ
અમારા વિસ્તારના નવયુવાનોનું ગ્રુપ મારફતે સેવાના કામો પણ થઈ રહ્યા છે. 18થી વધુ જરૂરિયાતમંદ લોકોને એક માસ સુધી ચાલે તેવી રાશન કીટ પણ ગ્રુપના સભ્યોના ફાળાથી આપવામાં આવે છે. હાર્ટના પ્રોબ્લેમ ધરાવતા અને એકલા રહેતા વૃદ્ધને હોસ્પિટલમાં લઈ જવાની સેવા પણ કરે છે. સહાયથી વંચિત લોકોના મુખ પરનો આનંદ એ જ અમારા ગ્રુપનો ઉદ્દેશ છે. > રણજીત હળપતિ, એંધલ આદિવાસી સમાજ સેવા ગ્રુપ

અન્ય સમાચારો પણ છે...