નવસારી દુષ્કર્મ કેસને વર્ષ પુરૂ પણ ન્યાય અધુરો:ન્યાય ઝંખતી માતાના આંખના આંસું આજે પણ સુકાતા નથી, કહે છે...એવું લાગે છે જાણે હમણાં પાછી આવશે

નવસારીએક મહિનો પહેલા

'મારી દીકરીને ગયાને એક વર્ષ પૂરું થઈ ગયું, હજુ ન્યાય નથી મળ્યો. વલસાડ પોલીસ, વડોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત ખુદ ગૃહમંત્રી તપાસમાં જોડાયા હતા, પણ હજુ ન્યાય નથી મળ્યો... રાત્રે ત્રણ વાગ્યે ઝબકીને જાગી જાઉં અને કહું છું- બેટા, તું મને કહે કે તારી સાથે શું થયું હતું.. થાય હમણાં આવી જશે.. હમણાં આવી જશે.. પણ હવે એ ક્યારેય નથી આવવાની..' આટલું બોલતાં જ નવસારીની એ માતાની આંખોમાં આંસુ ભરાઇ આવ્યાં અને અવાજ ગળગળો થઇ ગયો. જેની લાડકવાયી દીકરી સાથે વડોદરામાં સામૂહિક દુષ્કર્મ થયું હતું અને વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી લાશ મળી હતી. આ માતાને વર્ષ વીતવા છતાં હજુ ન્યાય મળ્યો નથી. એ હવે CBIને તપાસ સોંપવા માગ કરી રહી છે.

હજુ પણ માતાની આંખોમાંથી આસું સુકાતાં નથી.
હજુ પણ માતાની આંખોમાંથી આસું સુકાતાં નથી.

એક વર્ષ વીત્યું, પણ ન્યાય ન મળ્યો
3 નવેમ્બર 2021ના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં એક યુવતીનો આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પ્રથમ નજરે જોતાં આત્મહત્યા લાગતું હતું, પણ એ આત્મહત્યા હતી કે શું? એનો ભેદ હજુ ઉકેલાયો નથી. ઉકેલાયું તો બસ એટલું જ કે તેની જોડે સામૂહિક દુષ્કર્મ થયું હતું. કેસની તપાસમાં 18થી વધુ તપાસ એજન્સીઓ કામ કરી રહી હતી, પરંતુ સમય વીતતો ગયો અને આ સમગ્ર કેસમાં પોલીસે માત્ર પાણીમાં વલોણું કર્યું હોય તેમ ખાસ કંઈ હાથ લાગ્યું નહીં અને આજે પણ નવસારીમાં રહેતો પરિવાર ન્યાયની આશ લગાવીને બેઠો છે.

DGP દ્વારા SITની રચના કરવામાં આવી હતી, પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો.
DGP દ્વારા SITની રચના કરવામાં આવી હતી, પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો.

પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ, પણ FSLમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
ગત વર્ષે દિવાળીના દિવસોમાં સૌકોઈ ઉજવણીમાં મગ્ન હતા ત્યારે નવસારીના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વડોદરાની OASIS સંસ્થામાં કાર્યરત યુવતી સાથે વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં સાંજના 6:30 વાગ્યા આસપાસ સામૂહિક દુષ્કર્મ થયું હતું અને વલસાડમાં કથિત રીતે આત્મહત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી, ત્યાર બાદ કેસની તપાસ શરૂ થઈ. કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી હતી. 300થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું, જેને કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રિક્ષાચાલકોના નિવેદન લેવાયાં હતાં. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોનાં ઘરે ઘરે ફરીને તપાસ પણ કરાઇ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મનો ખુલાસો થયો હતો, પણ FSLમાં રેપનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને યુવતીના ગુપ્તભાગની ઇજાઓને આધારે તપાસ શરૂ કરાઇ હતી. જોકે એક વર્ષ વીતવા છતાં હજુ પરિવારને ન્યાય નથી મળ્યો.

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મ થયું હતું.
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મ થયું હતું.

યુવતીની માતાને OASIS સંસ્થા સામે જ શંકા
યુવતીના પરિવારજનોને હજુ પણ OASIS સંસ્થા સામે જ શંકા છે. સંભવિત રીતે તેમની દીકરી સંસ્થા વિશે કંઈક ન જાણવાનું જાણી ગઈ હતી અને તે ઉજાગર થવાથી સંસ્થાને મોટું નુકસાન થઈ શકે તેમ હોવાથી સંસ્થાના કોઈ લોકો દ્વારા દુષ્કર્મ બાદ તેની હત્યા નીપજાવી હોવાની વાત મૃતક યુવતીની માતા કરી રહી છે અને આ કેસમાં CBIની દ્વારા તપાસ થાય તેવી માગ કરી છે.

વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી મૃતદેહ મળ્યો હતો.
વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી મૃતદેહ મળ્યો હતો.

CBIને તપાસ સોંપવા માગ
યુવતીની માતાએ જણાવ્યું હતું કે એક વર્ષ પૂર્ણ થયું, પણ ન્યાય નથી મળ્યો. SITની ટીમ પણ વિખેરાઇ ગઇ. જે અધિકારીઓ તપાસ કરતા હતા તેમની પણ બદલી થઇ ગઇ. નવા અધિકારીઓને કેસની ઊંડાણપૂર્વક ખબર ના હોય. થોડા સમય પહેલાં મે ત્રિવેદી સાહેબને ફોન કરેલો, પણ તેમણે 'તપાસ થઇ રહી છે' એટલું કહીને ફોન કાપી નાખ્યો, ફરી કર્યો પણ ઉપાડ્યો જ નહીં. તપાસમાં હર્ષ સંઘવી પણ જોડાયેલા હતા, એ વખતે તેમણે મને આશ્વાસન આપ્યું હતું. ત્યારે તેમના પર મને પૂરો વિશ્વાસ હતો એટલે મેં કોઇ જીદ નહોતી કરી. હવે મારી જીદ છે કે તપાસ CBIને સોંપવામાં આવે. CBI વડોદરાની OASIS સંસ્થા અંદર ઘૂસીને ત્યાં મારી દીકરી સાથે શું થયું હતું એની તપાસ કરે. OASIS સંસ્થા નાની ઉંમરમાં છોકરા-છોકરીઓને ત્યાં લઇ જઇને સેલ્ફ ડિપેન્ડ બનાવવાની વાત કરી મા-બાપથી દૂર કરી નાખે છે. એનું શું કારણ છે? એ બધાની CBIની ટીમ ત્યાં જઇને તપાસ કરે અને મારી દીકરીના આત્માને અને મને ન્યાય અપાવે...

પરિવાર હવે CBIને તપાસ સોંપવા માગ કરી રહ્યો છે.
પરિવાર હવે CBIને તપાસ સોંપવા માગ કરી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...