ખેડૂત કલ્યાણ અભિયાન:ખેડૂતોના વિકાસ માટે સાત પગલાં આશીર્વાદરૂપ, સરકાર દ્વારા વિશાળપાયે અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરખાઇમાં પ્રાકૃતિક કૃષિની બે યોજનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

જિલ્‍લાના ચીખલી તાલુકાના સુરખાઇ મુકામે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ આરોગ્‍ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેમજ ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિશાળપાયે અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે.

ખેડૂતોની આવક અને સુખાકારી વધારવા આ સરકારે સાત પગલા ખેડૂત કલ્‍યાણના અભિયાનની આજે દેશી ગાય નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યુ કે, સરકારના ખેડૂતહિતલક્ષી નિર્ણયો, યોજનાઓ, ઉદાર સહાય અને ધરતીપુત્રોની મહેનતને પરિણામે ગુજરાત કૃષિ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર અને પ્રેરણાદાયી રાજય બન્યું છે તે સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના અભિયાન ખેડૂતો માટે આશીર્વાદરૂપ નિવડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી બનાવી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા સીમાંત બધા ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું પ્રિમિયમ પણ ભરવાનું નથી.

મંત્રી કાનાણીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત આજે વિકાસનો પર્યાય બન્યું છે તેની પાછળ સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય તો એ કૃષિ અને ઉદ્યોગના સમતોલ વિકાસનું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1995-96માં ગુજરાતનું કુલ કૃષિ ઉત્પાદન રૂ. 13,491 કરોડનું હતું જે આજે વધીને 1 લાખ 70 હજાર કરોડ ઉપર પહોંચ્યું છે એટલે કે કૃષિ ઉત્પાદનમાં 12 ગણો વધારો થયો છે. ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતો 16 ટકાના દરે પાક ધિરાણ લઈ વ્યાજ ભરીને ત્રાહિમામ પોકારી જતા હતા. આજે ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ અપાય છે. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અભિયાન, ખેડૂતોની મહેનત અને કૃષિ વૈજ્ઞાનિકોના નવા સંશોધનોથી છેલ્લા દોઢ બે દાયકામાં ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. મંત્રી તથા મહાનુભાવોના હસ્‍તે ખેડૂતોને મંજુરીપત્રો /હુકમો, બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડના ચેક, મોમેન્ટો, શાલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...