ઈડલી-ઢોંસાવાળાને આકર્ષવા ભાજપની રણનીતિ:નવસારીમાં વસતા તામિલ પરિવારને રીઝવવા પાર્ટીએ દક્ષિણ ભારતના ધારાસભ્યોની ફોજ ઉતારી

નવસારી9 દિવસ પહેલા

દેશમાં યોજાતી ચૂંટણીઓમાં જાતિવાદ અને પ્રાંતવાદ હાવી રહે તે કોઇ નવી વાત નથી છે. રોજગારી અર્થે વિવિધ રાજ્યોમાં વસેલા મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો હંમેશા પ્રાંતવાદ સાથે ભાષાવાદનો ઉપયોગ સારામાં સારી રીતે કરે છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નવસારી શહેરમાં વસતા 250 તામિલ પરિવારોને આકર્ષવા ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તામિલ મતદારોને મતદાન કરાવવા માટે મુંબઈના સાયન કોલીવાડાના મૂળ દક્ષિણના ધારાસભ્ય કેપ્ટન આર તમિલ સેલ્વમ નવસારીમાં પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. ભાજપ માઇક્રો પ્લાનિંગ કરીને ચૂંટણી પ્રચાર કરવાનું આયોજન દર વખતે કરે છે, ત્યારે આ વખતે પણ દક્ષિણીના મતદારોને રીઝવવા રણનીતિ ઘડી છે. કેપ્ટન આર તમિલ સેલ્વમ નવસારીમાં 250 પરિવારોને ભાજપના વિકાસલક્ષી કામો અને ભાજપના સ્થાનિક ઉમેદવારને સાથે રહેવા અપીલ કરી રહ્યા છે.

તમિલ પરિવારો 35 વર્ષથી નવસારીમાં વસ્યા
નવસારી શહેરમાં રોજગારી ધંધા અર્થે પરપ્રાંતનીથી વસેલા અનેક પરિવારો ગુજરાતી ઓળખ અપનાવી ચૂક્યા છે. 35 વર્ષથી વધુથી નવસારીમાં વસીને ઇડલી ઢોસા સાથે અન્ય વ્યવસાય કરતા મૂળ દક્ષિણના પરિવારો સાથે પોતાની પ્રાદેશિક ભાષામાં પ્રચાર કરવા માટે ભાજપે દક્ષિણના ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓને ઉતાર્યા છે. જેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પોતાના પ્રદેશના મતદારોને રીઝવી રહ્યા છે અને ભાજપ તરફી તેઓ મતદાન કરે તેવું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.

1200 મત માટે માથાકૂટ
જાતિવાદ અને પ્રાંતવાદને ભલે રાજકીય પાર્ટીઓ ભલે ભાષણમાં જાકારો આપતા હોય, પરંતુ જ્યારે વાત આવે મતદાનની અને સત્તા હાસલ કરવાની ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોની દુઃખતી નસ દબાવીને સામ દામ દંડ ભેદ જેવી નીતિ અપનાવી પોતાની તરફ વાળવા માટેના અર્થાક પ્રયત્નો કરતી હોય છે. ત્યારે દરેક વ્યક્તિને પોતાના ગામ શહેર અને રાજ્યમાંથી આવેલા કોઈપણ વ્યક્તિ સહેજ વ્હાલો લાગે તેમ દક્ષિણમાંથી આવેલા મૂળ મહારાષ્ટ્રના ધારાસભ્યે દક્ષિણના 250 પરિવારોના 1200 મત મેળવવા માટે પ્રચાર કરી પસીનો પાડી રહ્યા છે.

4 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે નવસારી જિલ્લાની 4 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.

નવસારી બેઠક પર હળપતિ અને કોળી સમાજનું પ્રભુત્વ
નવસારી બેઠક શહેરી અને ગ્રામ્યના મતદારો પ્રભાવ ધરાવે છે. જેમાં હળપતિ અને કોળી મતદારોનો વધુ છે, વર્ષોથી ભાજપનું ગઢ ગણાતી આ બેઠક પર ગત ટર્મમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ ધારાસભ્ય રહ્યા હતા અને તેમની ટિકિટ કપાતા રાકેશ દેસાઈને તક આપવામાં આવી છે. નવસારી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો પાણી, સાંકડા રસ્તાઓ રેલવે ઓવર બ્રિજ, રીંગરોડ સહિત ટ્રેન વરસાદી પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે નવા ચૂંટાઈને આવતા ધારાસભ્ય માટે આ સમસ્યાનો નિકાલ કરવો મોટો પડકાર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...