વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે રાજ્યમાં સ્ટાર પ્રચારકો મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધી રહ્યા છે જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવતી ચાર વિધાનસભામાં પણ રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકો મત માંગવા માટે પ્રજા સમક્ષ આવી રહ્યા છે. આવતીકાલે નવસારી 175 વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા બી.આર ફાર્મ ખાતે સવારે 11 વાગે આવીને ઉમેદવાર રાકેશ દેસાઈ માટે પ્રચાર અભિયાનમાં જોડાઈને આશરે 50 હજાર જેટલી જનમેદનીને સંબોધશે.
ભાજપ અને કોંગ્રેસમાં સ્ટાર પ્રચારકોમાં મુખ્ય હરોળમાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એક જ દિવસે નવસારી જિલ્લામાં પ્રચાર અભિયાનમાં હાજરી આપશે જેને લઈને બંને પક્ષો દ્વારા આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જનમેદની ભેગી થાય તે દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એક લાખ જેટલા લોકો ભેગા કરવાનો ટાર્ગેટ ભાજપ રાખી રહ્યું છે તો રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજરી આપે તે માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.
વાંસદા વિધાનસભા બેઠકમાં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી 21મી એ પ્રચાર અર્થે વાંસદા વિસ્તારમાં આવશે જેને લઈને કોંગ્રેસના અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લઈને ચર્ચા વિચારણા હાથ ધરી છે, ચૂંટણીમાં મતદારો રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના ભાષણોથી પ્રભાવિત થતા હોય છે જેને લઈને પાર્ટીઓ મોટાભાગે બોલીવુડ સેલિબ્રિટી સહિત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતારતી હોય છે .ત્યારે નવસારી જિલ્લામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ મોટી સંખ્યામાં જ મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે.જેના ભાગરૂપે આદિવાસી મતદારો ધરાવતા નવસારી જિલ્લામાં શહેરી વિસ્તારમાં નરેન્દ્ર મોદી તો ગ્રામ્ય વિસ્તાર રાહુલ ગાંધી પ્રચાર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.