APMCની ચૂંટણીમાં રસાકસી:મેન્ડેટ આપવાને લઇને ભાજપમાં જ ભારે કશ્મકશ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ફોર્મ ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

નવસારી એપીએમસીની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ અગાઉ ભાજપમાં ભારે કશ્મકશ ચાલી હતી. નવસારી એપીએમસીની ચૂંટણીમાં સહકારી ખરીદ વેચાણ મંડળી મતદાર મંડળની બંને બેઠક બિનહરીફ થઈ હતી. જોકે ખેડૂત મતદાર મંડળની 10 બેઠક માટે 13 ફોર્મ ભરાયા અને વેપારી મતદાર મંડળની 4 બેઠક માટે 5 ફોર્મ ભરાયા હતા. જોકે ચકાસણી દરમિયાન ખેડૂત મતદાર મંડળમાંથી સુરેશચંદ્ર અગ્રવાલનું નામ નીકળી જતા 12 જણાં રેસમાં રહ્યાં છે. આ દરમિયાન 8મીએ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય ખેડૂત ‌વિભાગની 10 બેઠક માટે નામ નક્કી કરવામાં ભાજપમાં ભારે કશ્મકશ ચાલી હતી. 9 નામ તો પક્ષમાં નક્કી હતા પણ 1 નામને લઈ ચર્ચાનો દોર ચાલ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 12 દાવેદારોમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીજ્ઞેશ નાયક (પડઘા) પણ છે, જેઓ ભાજપના મેન્ડેટ માટે દાવેદાર બનતા પક્ષમાં કશ્મકશ વધી છે. જીજ્ઞેશને પક્ષ મેન્ડેટ આપશે કે નહીં તે પણ જોવું રહ્યું ! બીજી તરફ જીજ્ઞેશ નાયકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘હું દાવેદાર છું, પરંતુ પક્ષની ઉપરવટ જઈશ નહીં.’ પક્ષ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તેને સહર્ષ સ્વીકારી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...