તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઉનાઇ સ્ટેશને ભાજપ-કોંગ્રેસનો સ્વાગત મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયકવાડી રાજની બાપુ ગાડીને બીલીમોરા રેલવે સ્ટેશને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
  • બંધ કરાયેલી બાપુની ગાડી પુન: શરૂ કરાવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અવાર-નવાર ધરણા કરી પ્રદર્શન કર્યું હતું

છેલ્લા દોઢ વર્ષથી બંધ થયેલ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન નવા રૂપરંગ સાથે તેમજ ટુરિસ્ટ એ.સી. વિસ્ટા ડોમ સાથે શરૂ થઈ છે. સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે, ડીઆરએમ, વલસાડ સાંસદ કે.સી.પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.આ ટ્રેનના પ્રથમ જ દિવસે ઉનાઈ સ્ટેશન ઉપર વિવાદ સર્જાયો હતો.

ટ્રેનના સ્વાગત વેળાએ કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સાથે આગળ આવતા ભાજપના આગેવાનો દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય કાર્યકર્તાઓ સાથે ટ્રેન આગળ પાટા પર બેસી ગયા હતા. બાદમાં પોલીસ દરમિયાનગીરીથી મામલો શાંત થતા ટ્રેન આગળ જવા રવાના કરાઈ હતી. બાદમાં આ ટ્રેન વઘઇ રેલવે સ્ટેશને પહોંચતા ડાંગ વલસાડનાં સાંસદ ડો કે.સી.પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિત વઘઇ વ્યાપારી એસોસિએશન અને ડાંગવાસીઓએ પરિવારનાં સભ્યની જેમ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

ગાયકવાડના જમાનાની તેમજ આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન કોરોના મહામારીમાં રેલેવ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી હતી. જોકે બાદમાં ટ્રેન ખોટમાં ચાલતી હોવાનું કારણ ધરી રેલવે વિભાગ દ્વારા રાજ્યની 11 જેટલી નેરોગેજ ટ્રેન બંધ કરાઈ હતી. જોકે વાંસદા-ચીખલીના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટ્રેન પુનઃશરૂ કરવા માટે આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે પ્રતિક ધરણાં પ્રદર્શન કરાયું હતું. બાદમાં ડાંગ-વલસાડના સાંસદ કે.સી.પટેલ દ્વારા રેલવે તંત્રને રજૂઆત કરતા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા 4 સપ્ટેમ્બરે ટ્રેન પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર‌ ફેલાઈ હતી.

શનિવારે ટ્રેન પુનઃ શરૂ થવાને લઇ ઉનાઈ રેલવે સ્ટેશને વાંસદા ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ટ્રેનના સ્વાગત માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આવતા કાર્યકર્તાઓએ એમને વધાવી લીધા હતા ત્યારબાદ ત્યાં ઉપસ્થિત ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ નારેબાજી કરતા સામસામે આવી જતા વાતાવરણ તંગ થયું હતું. જોકે ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ટ્રેન સ્ટેશને આવતા સ્વાગત કરવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે થઈ જતા મામલો બિચકયો હતો. ટ્રેન ઉનાઈ રેલવે સ્ટેશન પર આવતા ભાજપના આગેવાનો તેમજ ધારાસભ્ય અનંત પટેલ કાર્યકર્તાઓ સાથે ટ્રેનનું સ્વાગત કરવા જતાં ધારાસભ્ય તેમજ કાર્યકર્તાઓને ધક્કામુક્કી તેમજ ગેરવર્તન કરી સ્વાગત કરવા નહીં દેતા ત્યાં ઉપસ્થિત આદિવાસી સમાજ લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા.

જેથી ધારાસભ્ય અનંત પટેલ તેમજ કાર્યકર્તાઓ ટ્રેન સામે બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્યના વિરોધમાં હાય રે ધારાસભ્ય હાય હાયની નારેબાજી કરી હતી. જોકે ત્યાં હાજર પોલીસના ઉચ્ચાધિકારીઓ દ્વારા અનંત પટેલ તેમજ કાર્યકર્તાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. બાદમાં વાંસદા-ચીખલીના ધારાસભ્યએ કાર્યકર્તાઓ તેમજ આગેવાનો સાથે ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

ઉપસ્થિત કાર્યકર્તા તેમજ આગેવાનોએ પ્રતિક ધરણાં કરી ટ્રેન પુનઃ શરૂ કરવા બદલ ધારાસભ્ય અનંત પટેલને વધાવી લીધા હતા.બાદમાં ટ્રેન વઘઇ જવા રવાના થઈ હતી. બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેનનું જનરલ કોચનું ભાડું વઘઇ સુધીનું રૂ 40 રાખવામાં આવ્યું છે. જ્યારે એસી કોચનું ભાડું 560 રૂપિયા રખાયું છે.

જોકે એસી કોચનું આટલું મોંઘું ભાડું લોકોને પરવડશે કેમ તે તો હવે આગામી દિવસોમાં જોવા મળશે. પહેલાં આ ટ્રેનનું જનરલ કોચનું ભાડું માત્ર રૂપિયા 15 હતું, જે વધારીને હવે 40 રૂપિયા કરવામાં આવ્યું છે.

અવગણના કરાતાં કાર્યકરો નારાજ થયા હતા અમારા વિસ્તારની હેરિટેજ ટ્રેન પુનઃશરૂ થતા આદિવાસી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ટ્રેનના સ્વાગત મુદ્દે સ્થાનિક ધારાસભ્ય તરીકે તેમજ આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે ભાજપના નેતાઓ તેમજ જનપ્રતિનિધિઓ દ્વારા ધક્કામુક્કી કરી અવગણના કરવામાં આવતા સમર્થકો સાથે આ બાબતે ધરણાં કરવાની ફરજ પડી હતી.

અમારી માત્રને માત્ર એટલી જ માંગણી હતી કે અમારા વિસ્તારના સાંસદ કે.સી.પટેલ અમારી સાથે ઉભા રહી ટ્રેનનું સ્વાગત કરે પરંતુ કે.સી.પટેલ તુરંત રવાના થઈ જતા અમારા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. ટ્રેનમાં ભાડા વધારવા મુદ્દે અનેક લોકોમાં નારાજગી જોવા મળી હતી, જેના કારણે આવનાર દિવસોમાં આ મુદ્દે ફરી આંદોલન કરવામાં આવશે. >અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

વિરોધ -ધરણા કરી લોકોને ગેરમાર્ગે દોર્યા
ભારે જહેમત બાદ અને વારંવાર રેલમંત્રીને દિલ્હીમાં રજૂઆત બાદ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન નવા અવતારમાં ચાલુ કરવામાં આવી છે. આવા સારા પ્રસંગે વાંસદાના ધારાસભ્ય પોતાના કહેવાતા 10-15 કાર્યકરો સાથે આવીને રેલવે ટ્રેક પર સૂઈ જાય એ ધારાસભ્યની ગરીમાને લાજવે તેવું કૃત્ય હતું. ધારાસભ્ય તરીકે પોતાનાં વિસ્તારમાં તાલુકાના લોકોને આંખે વળગે તેવા કોઈ કામ ન કરી ફક્ત વિરોધ અને ધરણાં કરી લોકોને ગેરમાર્ગે દોર્યા છે પણ આ પ્રજા હવે તેને ઓળખી ગઈ છે. >કે.સી.પટેલ, સાંસદ, વલસાડ-ડાંગ

અન્ય સમાચારો પણ છે...