ઉમેદવાર માતાના શરણે:આદિવાસીઓના પારંપરિક માવલી માતાજીના કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે શિશ ઝુકાવી પૂજા કરી

નવસારી15 દિવસ પહેલા

કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ સાથે દેવી દેવતાઓના આશિર્વાદ પણ સફળતાના સોપાન સર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ચૂંટણી જંગમાં પણ ઉમેદવારો પોતાના આરાધ્ય દેવની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયાસો કરતા હોય છે. વાંસદામાં પોતાના સમાજનો દિકરો પિયુષ પટેલ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો હોય, આદિવાસીઓએ માવલી માતાજીની પરંપરાગત રીતે આરાધના કરી હતી, જેમાં પિયુષ પટેલે પણ પૂજા કરી માવલી માતાજીના આશિર્વાદ મેળવ્યાં હતા.

ભક્તો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપે ગાય છે
પ્રકૃતિક પૂજક આદિવાસીઓ દિવાળી બાદ અન્નની દેવી માવલી માતાજીની પૂજા કરતા હોય છે, પરંપરાગત રીતે પાંચ વર્ષે એકવાર થતી માં માવલીની પૂજામાં ગામેગામના ભક્તો આવતા હોય છે, આખી રાત ભક્તો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપે ગાય છે. સાથે જ અન્ય લોકો આદિવાસી વાદ્ય પાવરી, તૂર, ઢોલ વગાડી પગમાં ઝાંઝર પહેરી નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે.
પિયુષ પટેલ માટે ભક્તોએ માવલી માતાજીને પ્રાર્થના કરી
આદિવાસી લોકગીતો અને ભજનો ગાતા ગાતા રાત આખી થતી આરાધનામાં માવલી માતાજી સહિત દેવી દેવતાઓ ભક્તો અને લોકોના શરીરમાં પ્રવેશ કરી પૂજા દરમિયાન આશિર્વાદ પણ આપતા હોવાની આદિવાસીઓમાં માન્યતા છે. વાંસદાના સરહદી ગામડાઓમાંના એક તારપાડા ગામે ગત રોજ આયોજિત માવલી પૂજામાં ડાંગ અને મહારાષ્ટ્રના ગામોથી પણ ભક્તો આવ્યાં હતા. શ્રદ્ધાથી માવલી માતાજીની પૂજા અર્ચના કરી, જેમણે નાચ ગાન સાથે માતાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપમાંથી વાંસદા વિધાનસભાના ઉમેદવાર પિયુષ પટેલ માટે પણ ભક્તોએ માવલી માતાજીને પ્રાર્થના કરી, જીત મેળવે એવી શુભેચ્છાઓ આપી હતી.
​​​​​​​પિયુષ પટેલે માતાજીની પૂજા અર્ચના કરી
વાંસદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ કડકડતી ઠંડીમાં વાંસદાના ગામડાઓમાં ફરી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તારાપાડા ગામના લોકોએ પણ આદિવાસી સમાજના જ દિકરા પિયુષ પટેલ માટે માવલી પૂજા કરી હતી. જેમાં પિયુષ પટેલે માતાજીની પૂજા અર્ચના કરી, ભક્તો સાથે નૃત્યમાં પણ ભાગ લઈ, માતાજીની કૃપા વરસે અને ચૂંટણીમાં જીત મળે એવી પ્રાર્થના સાથે આશિર્વાદ મેળવ્યા હતા. આદિવાસીઓમાં માવલી પૂજાનું અનેરૂ મહત્વ છે. માતાજીની આરાધના કરી આદિવાસી દિકરાને ચૂંટણીમાં જીત મળે એવી આશા સેવી છે.

અન્ય સમાચારો પણ છે...