26 હજારથી વધુ સભાસદો ધરાવતી નવસારી જિલ્લાની મહત્વની ગણદેવી પીપલ્સ બેંકની 17 બેઠકોમાંથી 13 બેઠકો ભાજપ સમર્થિત પેનલ કબજે કરી હતી. જોકે પેનલના 4 ઉમેદવાર હારી ગયા હતા. 5 શાખાઓ ધરાવતી અને કરોડોનું ટર્નઓવર કરતી બેંકના 17 ડિરેક્ટરો માટે રવિવારે મતદાન થયું હતું.
મતદાન બાદ ગણતરી શરૂ થઈ હતી,જેમાં રાત્રે 10 વાગ્યા બાદ ગણદેવી વિભાગ 9 બેઠકોના પરિણામ જાહેર થયા હતા. આ પરિણામ જોતા ભાજપ પ્રેરિત પેનલના 7 જણા ચૂંટાયા હતા. જેમાં ગોપાલભાઈ ગોહિલ, તુષાર વશી, પરેશ અધ્વર્યું, કેયુર વશી, મિતેષ જોશી, શૈલેષ શાહ અને નિલેશ શર્માનો સમાવેશ થાય છે.
આ વિભાગમાં અન્ય બે ઉમેદવાર કિશોર પટેલ અને મિતેષ પંડ્યા વિજેતા બન્યા હતા. આ વિભાગમાં ભાજપ પેનલના રમણભાઈ પટેલ અને રાજેશ દેસાઈ પરાજિત થયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં રવિવારે રાત્રે 10 વાગ્યા અગાઉ જે 8 બેઠકોના પરિણામ જાહેર થયા હતા તેમાં 6 બેઠકો ભાજપ સમર્થિત પેનલને અને 2 બેઠકો ઉપર અન્ય ઉમેદવાર જાહેર થયા હતા. આમ સમગ્ર પરિણામ જોતા કુલ 17 બેઠકોમાં 13 બેઠકો ઉપર ભાજપ સમર્થિત પેનલને અને 4 બેઠકો ઉપર અન્યને મળી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર નવસારી જિલ્લાના મહત્તમ વિસ્તારમાં હવે વ્યાપી ગયું છે. ઉપરાંત બેંકની ચૂંટણીમાં સંભવત: પ્રથમ વખત રાજકીયપક્ષ એવા ભારતીય જનતા પાર્ટીએ પણ ઝુકાવતા સમગ્ર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ચૂંટણીનો માહોલ જામ્યો હતો.
ફરી એકવાર ચૂંટાઈને આવેલ બેંકના ડિરેક્ટરોના નામો
ચેરમેન ગોપાલભાઈ ગોહિલ, કિશોરભાઈ પટેલ, તુષારભાઈ વશી, પરેશભાઈ અધ્વર્યું, શૈલેષકુમાર શાહ, જ્યોતિબેન દેસાઈ, ભાવનાબેન નાયક, જસ્મીનભાઇ દેસાઈ, મનિષભાઈ દેસાઈ, પ્રજ્ઞેશકુમાર પટેલ, અલ્કેશ શાહ છે.
બે અગ્રણીઓ હારી ગયા
ચૂંટણીમાં આમ તો 17માંથી 13 બેઠકો મળતા ભાજપ સમર્થિત પેનલને બહુમતી મળી હતી પણ ભાજપના ધૂરંધર હારી પણ ગયા હતા. જ્યાં મહિલા અનામત બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા પટેલ હારી ગયા ત્યાં અમલસાડ વિભાગમાં બેંકના વાઇસ ચેરમેન ચિંતન શાહ પણ પરાજિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.