તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો સંબંધ:નવસારીના ભુલા ફળિયા ગામના દાદાનો પક્ષીપ્રેમ

નવસારીએક મહિનો પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • ઘરઆંગણે વૃક્ષ પર રહેતા પક્ષીઓને પહેલા ચણ નાંખી દિનની શરૂઆત કરે છે

આજે મોંઘવારીના જમાનામાં દાન સખાવત કરવી એ બહુ મોટી વાત છે પરંતુ સમાજના ઘણા લોકો અબોલ પશુ- પક્ષીઓ માટે અપ્રતિમ પ્રેમ ધરાવે છે તેવા જ નવસારી તાલુકાના ભુલા ફળિયાના એક 92 વર્ષીય દાદાનો પક્ષી પ્રેમ તાલુકામાં વખણાય રહ્યો છે. નાના બાળકોને રમાડતાં-રમાડતાં પંખીઓને પણ તેટલા જ પ્રેમથી યુવાવયથી જ પક્ષીઓની માવજત કરીને સમાજમાં અબોલ પશુપક્ષીઓના પ્રેમ માટે લોકો આગળ આવે તેમ ભુલા ફળિયા મગનબાપા ઉદાહરણ બની રહ્યાં છે.

નવસારી તાલુકાના ભુલાફળિયા ગામના વલસાડી ફળિયામાં મગનભાઈ છનાભાઈ પટેલ (ઉ.વ. 92) પરિવાર સાથે રહે છે. તેમના ઘરઆંગણે આંબલીનું વૃક્ષ આવેલું છે અને તેના ઉપર ચકલી, સુગરી અને અન્ય પંખીઓએ માળા બનાવ્યાં છે. આ પંખીઓને સવારે ચણ નાંખી મગનદાદા દિવસની શરૂઆત કરે છે. હજુ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ બુલેટ જાતે હંકારી ખેતરમાં જાતે જ ખેતીકામ કરે એવા મજબૂત મગનદાદાનું હૃદય સંવેદનશીલ છે. પંખીઓ માટે તેઓ પિતાની ગરજ સારે છે.

તેઓ પંખીઓ માટે પાણી-ચણની વ્યવસ્થા, માળામાંથી બચ્ચા પડી જાય તો બચ્ચાને માળામાં મૂકવા માટે પ્રયત્ન કરે છે. કોઈવાર કાગડાઓ ચકલી-સુગરીના માળા પર હુમલો કરે અને પક્ષીઓ ચીસાચીસ કરી મૂકે ત્યારે મગનદાદા બહાર આવીને હેરાન કરતા અન્ય મોટા પક્ષીઓને દૂર ભગાવે છે. વિશ્વ ભલે એક દિવસ ચકલી દિવસ ઉજવે પણ મગનદાદાનું જીવન ચકલી અને સુગરી જેવા નાના અબોલ જીવો માટે પિતાતુલ્ય કહી શકાય એમ છે.

હું તો વર્ષના 365 દિવસ ચકલી દિવસ ઉજવું છું
સરકાર વર્ષમાં એક જ વાર ચકલી દિવસ ઉજવે છે ત્યારે હું યુવાવયથી જ 365 દિવસ ચકલી દિવસ ઉજવું છું. દિવસની શરૂઆત જ ઘરઆંગણામાં આવેલ વૃક્ષ પરની ચકલીઓને ચણ નાંખી શરૂઆત કરું છું. પક્ષીઓ પાણી પી તે માટે ઝાડ ઉપર વાસણ મૂકેલું છે. સવાર-સાંજ ચકલી અને અન્ય પક્ષીઓનો અવાજ સાંભળીને આનંદની અનુભૂતિ થાય છે. બચ્ચા મોટા થાય ઉડી જાય પણ અમુક સમય પછી પાછા આવે અને આજ વૃક્ષ ઉપર નવો માળો બાંધે. આ પરિવર્તન હમણાં સુધી જોયું છે. -મગનદાદા, પક્ષીપ્રેમી ભુલા ફળિયા

​​​​​​​તેમનો 92 વર્ષની વયે પક્ષીપ્રેમ અદભુત છે
મગનબાપા યુવાવયથી જ ઘરના આંગણામાં ઉગેલા આબલીના વૃક્ષ ઉપર માળા બાંધેલા પક્ષીઓની પોતાના સ્વજન હોય તેવી માવજત કરતા જોયા છે. નાના પંખીઓના બચ્ચાને નુકસાન થાય તેવું હોય ત્યારે મગનબાપા તુરંત આવી તેનું સંરક્ષણ કરે છે. 92 વર્ષીય મગન બાપાનો પક્ષીપ્રેમ નવસારી પૂર્વ પંથકમાં વખણાય રહ્યો છે. -પિનાકીન પટેલ, સદલાવ

અન્ય સમાચારો પણ છે...