તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશાલ:નવસારી જિલ્લામાં 100% રસીકરણમાં ભૂતસાડ ગામ પ્રથમ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસી લેવામાં 6 જણા બાકી હતા તેમણે પણ મંગળવારે લઇ લેતા ગામ સંપૂર્ણ રસીકરણ ઝોન બની અન્ય ગામ માટે મિશાલ બન્યું
  • 626ની વસતિવાળા ગામમાં રસી મુકાવવા પાત્ર 465, 18+માં 268, 45 થી 60 વચ્ચે 120 અને 60+માં તમામ 77 એ રસી લીધી

જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામ મંગળવારે જિલ્લાનું પ્રથમ 100 ટકા રસીકરણવાળું ગામ બન્યું હતું. ગામમાં રસી મુકાવવા પાત્રતા ધરાવનાર તમામે રસી લઈ છે.

કોરોનાથી રક્ષણ આપવા નવસારી જિલ્લામાં પણ હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર બાદ અન્ય લોકો માટે 1 માર્ચથી રસીકરણ શરૂ કરાયું હતું,જે હાલ પણ જારી છે. જિલ્લામાં આમ તો ઘણા ગામોમાં હજુ 80 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે પરંતુ કેટલાક ગામોમાં ખૂબ સારું વેક્સિનેશન થયું છે. આમાંનું જ એક ગામ ભૂતસાડ છે. જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામ રસીકરણ બાબતમાં આગળ રહ્યું છે અને મંગળવારે તો ગામે કોવિડ રસીકરણનો 100 ટકાનો ટાર્ગેટ સિદ્ધ કરી જિલ્લાનું પ્રથમ 100ટકા રસીકરણવાળુ ગામ બન્યું હતું. 626ની વસતિ ધરાવતા ભૂતસાડમાં રસી મુકાવવા પાત્રતા ધરાવતા 465 જણા હતા, જે તમામે રસી લઈ લીધી છે. 18+માં તમામ268, 45 થી 60 વચ્ચે વયના તમામ 120 અને 60+માં તમામ 77 જણાએ રસી લીધી છે. જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.સુજીત પરમાર, ડો. સક્સેનાના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમે સ્થાનિક અગ્રણીઓ, લોકોના સહયોગથી રસીકરણમાં જે 6 જણા બાકી હતા તેને પણ મંગળવારે રસી મુકાઈ જતા ભૂતસાડ જિલ્લાનું સૌપ્રથમ 100 ટકા રસીકરણવાળું ગામ બન્યું હતું.

કોવિડના 17 કેસ નોંધાયા, એકપણ મૃત્યુ નહીં
ગામના અગ્રણી દક્ષય આહિરના જણાવ્યા મુજબ ભૂતસાડમાં પહેલી લહેરમાં તો એકપણ પોઝિટિવ કેસ ન હતો, પરંતુ બીજી લહેરમાં 17 જેટલા કેસ બહાર આવ્યા હતા, જોકે કોઈ મૃત્યુ થયું નથી.

વધુ 4થી 5 ગામ 100 ટકા રસીકરણ ભણી
નવસારી જિલ્લામાં ભૂતસાડ ગામ સૌ પ્રથમ 100 ટકા રસીકરણવાળુ ગામ બન્યાં બાદ નજીકના દિવસોમાં વધુ 4થી 5 ગામ બને એવી શક્યતાં છે, જેમાં જલાલપોર તાલુકાના જ કરાડી અને દાંડી, ગણદેવી તાલુકાના ખાપવાડા અને સોનવાડી ગામ છે. આ ઉપરાંત અન્ય કેટલાક ગામોમાં પણ રસીકરણ સારૂ થયું છે.

વધુ રસીકરણ કરવાના પ્રયાસો
દરેક ગામોના વધુને વધુ રસીકરણ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. આ પ્રયત્નો થકી ભૂતસાડમાં 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે. > ડો. સુજીત પરમાર, આરોગ્ય અધિકારી, નવસારી

વેક્સિન માટે ગામમાં કેટલાકને સમજાવતા આખરે સફળતા મળી
અમારા ગામમાં કોળી પટેલ, આહિર, હળપતિ, એસસી વગેરે કોમની મુખ્યત્વે વસતિ છે. રસી મૂકાવી તાવ આવવતા કેટલાક આદિવાસીઓમાં ગેરસમજ પણ ફેલાઈ હતી. જેને માટે અમે મિટીંગો કરી હતી, સમજાવ્યાં હતા. ખાસ કરીને ઘરોમાં તમામને એકસાથે રસી ન મૂકવાનો પ્લાન કર્યો હતો. જેથી રસી મૂકવાથી તાવ આવે તો ઘરનું તંત્ર ન ખોરવાય ! આરોગ્ય તંત્ર સહિત અનેકનો સહયોગ મળ્યો અને 100 ટકા રસીકરણની સિદ્ધિ પ્રાપ્ત કરી. > દક્ષય આહિર, ભૂતપૂર્વ ઉપસરપંચ-અગ્રણી, ભૂતસાડ

અન્ય સમાચારો પણ છે...