વિધાનસભા સંગ્રામ 2022:કોરોના અગાઉ 16 ટ્રેન ઉભી રહેતી હતી હવે 8 જ ઉભી રહેતા લોકોમાં ભભૂકેલો રોષ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંચેલી પંથકમાં ટ્રેન નહીં તો વોટ નહીં-ચૂંટણી બહિષ્કારના બોર્ડ તંત્રે કાઢતા હવે લોકો બોર્ડ લઇ ફરે છે
  • લોકોએ લગાવેલા બેનરો જપ્ત થતા અને માગ પુરી નહીં થવાના કારણે ચૂંટણીમાં અસરની શક્યતા

નવસારી જિલ્લામાં પોતાની માગ ને લઈ વિવિધ ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા.જેમાં અમલસાડ બાદ બાજુના રેલવે સ્ટેશન અંચેલી ગામે પણ ટ્રેનોના સ્ટોપેજ બાબતે વિવિધ રજૂઆતો બાદ પણ વહીવટી તંત્રે લોલીપોપ આપતા હવે ચૂંટણી અવસરે સરકારનું નાક દબાવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ ઉકેલ નહીં આવેતો અમલસાડ પંથકના 19 ગામમાં એકપણ મતદાતા આગળ નહીં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

નવસારી અને અમલસાડ વચ્ચે આવેલા અંચેલી રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજને લઈ ટ્રેન નહીં તો વોટ નહીં ચૂંટણી બહિષ્કારનાં બેનરો લગાડવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. અંચેલી રેલવે સ્ટેશનથી અપડાઉન કરતા લોકોને સંખ્યા વધારે હોવાથી કોરોના કાળ દરમિયાન સવારે 8.05 વિરારથી ભરૂચ અને સાંજે 5.25 વાગ્યે ભરૂચથી વિરાર જતી ટ્રેનના સ્ટોપેજની માંગ કરવામાં આવી હતી. જે માંગ કોઈ કારણોસર પૂર્ણ નહીં કરવામાં આવતા અંચેલી સહિત 19 ગામમાં લોકોએ ટ્રેન નહીં તો વોટ નહીં નાં બેનરો સાથે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી હતી, જેને પગલે ગણદેવી વહીવટી તંત્ર દોડતું થયું હતું.

ગણદેવી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ગણદેવી પોલીસ મથકનાં પીએસઆઇ અને ગામના તલાટીઓએ ચૂંટણી બહિષ્કારનાં બેનરો ઉતારી બેનરો જપ્ત કર્યા પરંતુ ગ્રામજનોએ ચૂંટણીનો‌ સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે અને ગામેગામ જઈ અને લોકોને જાગૃત કરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રેનનું સ્ટોપેજ નહીં આપવામાં આવે તો તમામ ગામના લોકોએ અસહકાર આંદોલનની પણ જાહેરાત કરી છે.

એટલે ફક્ત બેનરો ઉતારી લેવાથી ગ્રામજનોના નિર્ણયમાં કોઈપણ ફેરફાર નહીં થાય અને આ વખતની ચૂંટણીમાં અંચેલી સહિતના 19 ગામમાં મતદાન પેટીમાં શૂન્ય મત જોવા મળે તો નવાઈ નહીં તેવી પણ ચર્ચા ચાલી રહી છે. હવે જોવું એ રહ્યું કઈ પાર્ટીનાં ઉમેદવારો આ ગામોની સમસ્યા હલ કરશે અને એમના વોટ પ્રાપ્ત કરશે? જોકે, હાલના તબક્કે કાંઇપણ કહેવું અતિશિયોક્તી ગણાશે. ગ્રામજનોનો મત અને મૂડ સમય જતા કેવો હશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...