ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત તથા જિલ્લા રોજગાર નિયામકની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ‘નવી દિશા – નવ ફલક’ કાર્યક્રમમાં શિક્ષણવિદ ધર્મેશ કાપડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાપડીયાએ જણાવ્યું કે કારકિર્દી પસંદગી પહેલાં દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને ઓળખી પોતાનામાં રહેલી શક્તિને અનુરુપ વ્યવસાય પસંદ કરવા જોઈએ. વધુમાં જણાવ્યું કે ધો. 10-12 પછી અનેક વિદ્યાશાખામાં અનેકો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે પરંતુ પરંપરાગત અભ્યાસક્રમોમાં પોતાની શક્તિ, રૂચી અને આવડતનાં અભાવ હોવા છતાં દેખા દેખીથી પ્રવેશ મેળવી લઈને પછી પસ્તાવાનો સમય આવે છે.
આથી કોઈ પણ વ્યવસાય પસંદ કરવા પહેલા હંમેશા વ્યક્તિમાં રહેલી જુદી-જુદી શક્તિ જેવી ઇન્ટર પર્સનલ ઈન્ટેલીજન્સ, લોજીકલ મેથેમેટીકલ ઈન્ટેલીજન્સ, વિઝુઅલ સ્પાશીયલ, મ્યુઝીકલ ઈન્ટેલીજન્સ, ભાષાકીય, શારીરિક અને માનસિક તથા આધ્યાત્મિક અસ્તિત્વવાદી ઈન્ટેલીજન્સ જેવી શક્તિ દરેક વ્યક્તિમાં જુદા–જુદા પ્રમાણમાં હોય છે. આ બાબત સમજી તેને અનુરૂપ કારકિર્દી પસંદ કરવામાં આવે તો આવા સાચા અર્થમાં જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકાય, કુટુંબ અને મા-બાપના સપનાઓ પુરા કરી શકાય અને સમાજ તથા રાષ્ટ્રનાં ઉત્થાન માટે પ્રદાન કરી શકાય એવા અનેક દૃષ્ટાંતો આપી સમજાવ્યું હતું.
વિદ્યાકુંજ શાળાનાં આચાર્ય આશિષભાઈ લાડે પ્રાસંગિક વાતો સાથે સભા સંચાલન પણ કર્યું હતું. આ પ્રસંગે અનિલ નાયક ફાઉન્ડેશનનાં ધ્રુમિલભાઈએ વિવિધ રોજગારલક્ષી અભ્યાસક્રમોની માહિતી આપી હતી. આ પ્રસંગે વિદ્યાકુંજ, ભકતાશ્રમ, શેઠ આર.જે.જે., સ્વામિનારાયણ હાઇસ્કૂલ (ઇટાળવા), એસ.એસ.અગ્રવાલ હાઇસ્કૂલ, આર.ડી.પટેલ ચોવીસી વગેરે શાળાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને પોંખવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં શિક્ષણ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર, સ્વામિનારાયણ શાળાનાં આચાર્ય પ્રધ્યુમન તિવારી, ભક્તાશ્રમના આચાર્ય પરિમલભાઈ પટેલ તથા પોલીટેકનિક નવસારી, રોજગાર કચેરી, પશુધન કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ટેકનિકલ શિક્ષણ કચેરી, આરોગ્ય પરિવાર કલ્યાણ, કૃષિ વિભાગનાં અધિકારીઓ વગેરેમાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ખેરગામ શાળા શિક્ષક વિપુલ પવાર, ભકતાશ્રમ શાળાનાં શિક્ષક આશિષ પાંડે, વિદ્યાકુંજનાં અંકિતભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.