દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:બારડોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન,ગણદેવીમાં ડમ્પરની અડફેટે આવી જતા ડોક્ટરનું મોત

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન પોતાના ઉમેદવારની તરફેણમાં કર્યું હતું. - Divya Bhaskar
મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન પોતાના ઉમેદવારની તરફેણમાં કર્યું હતું.

1,બારડોલી સુગરની ચૂંટણીનું મતદાન
બારડોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ રમણ પટેલની સહકાર પેનલ અને મુકેશ પટેલની કિસાન પેનલ વચ્ચે ચૂંટણી લડાઈ રહી છે. કુલ 15 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ/જનજાતિ અનામત પર સહકાર પેનલમાંથી રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક મંડળીઓની બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 13 બેઠકો માટે ત્રણ મતદાન કેન્દ્રો પર આજે મતદાન યોજાયું છે. કુલ 4610ઉત્પાદક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

2,ગણદેવીમાં અકસ્માત
ગણદેવી તાલુકાના માલાતલાવડી વિસ્તારમાં ગફલતભરી રીતે આવતા ડમ્પર ચાલકે બાઈક સવાર ડોક્ટરને અડફેટે લીધા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ડોક્ટર હીરાલાલ પાટીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા. મૃતદેહને પીએમ અર્થે ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

3,ફાટેલી નોટ આપી સોડા માંગી
વલસાડના સિવિલ રોડ પર નાના પરસીવાડમાં રહેતો રિયાઝ રફીક શેખ નામનો યુવક શુક્રવારે મોડી સાંજે સિવિલ રોડ પર આવેલી એક દુકાનમાં રૂ.20ની બે ટુકડા થયેલી નોટ આપીને જીરૂ સોડા લેવા આવ્યો હતો. દુકાન સંચાલકે ફાટેલી નોટ લેવાની ના પાડતા યુવકે દુકાન સંચાલક પર હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ રિયાઝને ફાટેલી નોટની જગ્યાએ બીજી નોટ આપી સામાન લાઇ જાવા જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા રિયાઝ મહિલાઓની સામે કપડાં ઉતારવાની ધમકી આપી હતી.

4,બારડોલીમાં બકરા ચોરીની રાવ
બારડોલી શહેરના કડોદ રોડ પર આવેલા માતા ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બકરા ચોરીના બનાવો વધી ગયા હોય બકરા પાળી પોતાનું જીવન ગુજરાન ચલાવતા પશુપાલકોમાં ચિંતા ફેલાય ગઈ છે. પાળી પોષીને મોટા થયેલા બકરા એક જ રાતમાં ચોરી થઈ જતાં પશુપાલકોને મોટો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે. બકરા ચોરીની ઘટના છેલ્લા એક દોઢ વર્ષથી વધી ગઈ હોવાનું એક પશુપાલકે જણાવ્યુ હતું. આ વિસ્તારમાં ચારથી પાંચ પશુપાલકો મોટા પ્રમાણમાં બકરા પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે પૈકી અંબાબેન પટેલ છેલ્લા 15 વર્ષથી બકરા પાલનનો વ્યવસાય કરે છે. તેઓ રડતાં રડતાં જણાવે છે કે છેલ્લા 6 મહિનામાં તેમના આઠ થી દસ બકરા ચોરી થઈ ચૂક્યા છે. દિવાળીના દિવસો દરમ્યાન બે બકરા ચોરી થઈ ગયા હતા. અત્યાર સુધીમાં બકરા ચોરી થવાથી 1 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યુ હતું.

5,બારડોલી નજીક અકસ્માતમાં 25ને ઈજા
ખાનગી બસ મહારાષ્ટ્રના ધુલિયાથી અમદાવાદ જઇ રહી હતી ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર મીંઢોળા નદીના બ્રીજ નજીક પલટી જતાં બસમાં સવાર 25થી વધારે મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. બારડોલી-પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર બસ મુકી ફરાર થઇ ગઇ હતો આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને એમ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ મુસાફરોને રજા આપી દેવાય હતી. જ્યારે ચાર મુસાફરો અફરોઝ સાઝીદ હુસેન ઉ.વર્ષ 23, રહે અમદાવાદ), પ્રણવ પ્રવીણ મોરે (ઉ.વર્ષ 8, રહે વડોદરા), પ્રવીણ બાપુ મોરે (ઉ.35 રહે વડોદરા) અને વિશ્વનાથ કોનુ કુંભાર (ઉ.52, રહે. ભૂસવાલ, મહારાષ્ટ્ર)ને વધુ ઇજા હોય તેમની સારવાર ચાલી રહી છે.

6,બારડોલીમાં જુગાર રમાડતા ચાર પકડાયા
બારડોલી શહેર અને તાલુકામાં કેટલાક ઈસમો વરલી મટકાના આંક પર અને ચકલી પોપટ નો જુગાર રમાડતા હોવાની બાતમી પોલીસ ને મળી હતી.આ બાતમીના આધારે તપાસ કરતા સ્ટેશનરોડ બારડોલી ખાતે પડાવમાં રહેતો પ્રવીણ માલુ પાડવી ને ઝડપી લીધો હતો અને એની પાસેથી 2050 ની રોકડ કબ્જે લેવામાં આવી હતી અને જુગારનું કટિંગ લેનાર જીયા હુસેન શેખ રહે.બાબેન બારડોલીને વોન્ટેડ જાહેર કર્યો હતો.એ સાથે જ માણેકપોર ના કિરણ ભુપેન્દ્ર હળપતિ ને પણ વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ એની પાસેથી 410 કબ્જે લીધા હતા. કડોદ નજીક થી ચકલી પોપટનો જુગાર રમાડતા દુરસિંગ બાબુ ભીલ હાલ.રહે વઢવાણિયા અને ભરત સુંદર રાઠોડ રહે.કડોદ ને અટકમાં લઈ એમની પાસેથી રોકડા 1820 કબ્જે લેવામાં આવ્યા હતા.આમ ત્રણ બનાવમાં ચાર ઈસમો ને અટકમાં લેવામાં આવ્યા હતા અને એમનો કોવીડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી જયારે વોન્ટેડ જીયા હુસેન શેખ ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

7,રસ્તાનું નવિનીકરણ થશે
ઓલપાડ ટાઉનમાં સેનાખાડીને અડીને આવેલ હાથીસા ગામ જતા માર્ગ ઉપર વિવિધ સરકારી કચેરીઓ પૈકી તાલુકા સેવા સદનની ઓલપાડ પ્રાંત અને મામલતદાર કચેરી,ન્યાયાલય,કોલેજ,આઇ. ટી.આઇ.ર્નસિંગ કોલેજ સહિત ખૂંટાઇ માતા અને ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર આવેલ છે.આ રોડ નિચાણવાળો હોવાથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ઉપરાંત સેનાખાડીમાં આવતા પૂરના પાણીનો આ રોડ ઉપર બે ફૂટથી પણ વધુ ભરાવો થતો હતો.આ સમસ્યા કાયમી ધોરણે નિવારવા ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે રાજ્ય સરકારમાં રજુઆત કરતા સરકારે સુવિધાપથ યોજનામાંથી રૂા.1 કરોડની ગ્રાન્ટ મંજુર કરતા આ માર્ગનું નવીનીકરણ થશે.

8,વ્યારામાં કમિશનરે મુલાકાત લીધી
રાજ્યના વિકાસ કમિશ્નર એ.જે.ઠક્કરે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા પાનવાડી સ્થિત આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા બનાવાયેલ આદિજાતી ગ્રામ્ય બજાર "વનશ્રી રેસ્ટોરન્ટ" ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક્શ્રી આનંદકુમારે વનશ્રીમાં કરવામાં આવતી આદિવાસી વાનગી સહિતની વિવિધ ચીજ વસ્તુઓથી વાકેફ કરી વન વિભાગ દ્વારા આદિજાતી મહિલાઓના ઉત્કર્ષ માટે હાથ ધરવામાં આવતી પ્રવૃતિઓની જાણકારી આપી હતી. કલેક્ટર આર.જે. હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.

9,કામરેજમાંથી બાઈકની ચોરી
કામરેજ તાલુકાનાં વેલંજા ગામની સુખ સ્વપ્ન સોસાયટીમાંથી ઘરનાં આંગણે મુકેલી ત્રણ મોટરસાઈકલ24-11-2020ની રાત્રે 10થી તા 25-11-2020નાં સવારે 6.00 વાગ્યાદરમ્યાન એક જ રાતે ચોરી થઇ હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં વિનોદભાઇ ધીરૂભાઇ ગેડીયાની માલિકીની (GJ- 05 AY-2290) કિં.35,000 રૂપિયા, નિકુંજભાઇ ધીરૂભાઇ રાદડીયાની મોટરસાઈકલ (GJ- 05 SR- 7554) કિંમત 35,000 તથા 3 પંકજભાઇ રવજીભાઇ બોધાણીની (GJ- 05 SD- 6128) કિંમત 25000 ની મો સા. ચોરાઇ ગઇ હતી. ઠંડીની શરૂઆત થતાની સાથે જ તસ્કરો કસબ અજમાવી ગયા છે. ચોરની ઘટના બાદ પોલીસ નાઈટપેટ્રોલિંગ વધારે એવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.

10, 108ના પાયલોટનું અવસાન
નિઝર તાલુકાના રાયગઢ ગામના રમેશભાઈ સાટોટે જેઓ નિઝર ખાતે 108 એમ્બ્યુલન્સ માં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા.તેઓનું બિમારીના કારણે તા.27/11/2020 ના રોજ વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.રમેશભાઈ સાટોટે નિઝર તાલુકા ખાતે 108 ના પાઇલોટ તરીકે 2008 માં નોકરીએ જોડાયા હતા.અને હાલમાં પણ નોકરી ચાલુ હતી.કોરોના માહામારીમાં પણ દિવસ રાત દિવસ તેઓએ સેવા બજાવી હતી. જેથી તેમની કામગીરી બિરદાવવા જેવી છે.શનિવારના રોજ તેમની અંતિમ ક્રિયાવિધિ કરવામાં આવશે .