કાચુ ‘સો’નું વરસ્યું:નવસારી જિલ્લામાં સરેરાશ 102 ટકા વરસાદ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનો મોસમનો 30 વર્ષનો સરેરાશ વરસાદ 1811 મિમી છે, જેની સામે 1851 મિમી વરસી ગયો
  • એક જ જિલ્લામાં વરસાદની વિસંગતતા પણ છે
  • જેમાં નવસારીમાં 26 ટકા વધુ તો વાંસદામાં 23 ટકા ઓછો વરસ્યો

સતત વરસી રહેલ વરસાદના કારણે આખરે નવસારી જિલ્લામાં સિઝનનો 100 ટકા વરસાદનો આક વટાવી 102 ટકા થઈ ગયો છે. જેમાં ય જિલ્લામથક નવસારી શહેર તાલુકામાં તો 126 ટકા થઈ ગયો છે. નવસારી જિલ્લામાં વર્તમાન ચોમાસામાં પ્રથમ બે મહિના જૂન અને જુલાઈમાં ઓછો વરસાદ પડ્યો હતો ,જેને લઈ ચોમાસુ ખરાબ જશે એવી દહેશત પણ સર્જાઈ હતી. જોકે ઓગસ્ટ મહિનાએ ઉક્ત દહેશત યા ધારણા ખોટી પાડી છે.

ઓગસ્ટ માસમાં જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. જેમાં નવસારીમાં તો હજુય મન મુકીને વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં છેલ્લા 30 વર્ષમાં પડેલ વરસાદના આધારે જિલ્લાનો સરેરાશ વરસાદ 1811 મિમી નિર્ધારિત થયો છે, જેની સામે રવિવાર સાંજ સુધીમાં 1851 મિમી પડી ગયો છે. આમ જિલ્લામાં સિઝનનો 102 ટકા વરસાદ [સરેરાશ કરતા 2 ટકા વધુ] પડી ચુક્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સરેરાશ 102 ટકા વરસાદ તો વરસી ચુક્યો છે પરંતુ અહીંના એક જ જિલ્લામાં પડેલ વરસાદમાં વિસંગતતા જોવા મળી છે.

કેટલીક જગ્યાએ ખૂબ સારો તો કેટલીક જગ્યાએ તો સરેરાશ વરસાદથી 23 ટકા હજુ ઓછો પણ પડ્યો છે. તાલુકવાર જોઈએ તો જિલ્લામથક નવસારીમાં સૌથી વધુ 126 ટકા વરસાદ ઝીકાઈ ચુક્યો છે.આ ઉપરાંત જલાલપોરમાં 122 ટકા અને ગણદેવીમાં 112 ટકા વર્ષા સરેરાશની સરખામણીએ પડ્યો છે. ચીખલીમાં પણ 100 ટકા નજીક 96 ટકા પડી ચુક્યો છે. જોકે નવસારી જિલ્લાના જ બે તાલુકા ખેરગામમાં 87 ટકા અને વાંસદામાં 77 ટકા [સિઝન કરતા 23 ટકા ઓછો પડ્યો છે.

નવસારી પંથકના તળાવો છલકાયા
નવસારી પંથકમાં પડેલ તથા હજુ પણ પડી રહેલા ભારે વરસાદના કારણે અહીંના મહત્તમ તળાવો ભરાઈ ગયા છે. કેટલાક તળાવો તો છલકાઈ તેનું પાણી રહેણાંક વિસ્તારોમાં પણ રેલાઈ રહ્યું છે. શહેરનું શાકમાર્કેટ નજીકનું ટાટા તળાવ ભરાતા તેનું પાણી બહાર જતા પાલિકાને આ પાણીનો નિકાલ કરવા નવનેજા પડી રહ્યા છે. વિજલપોરનું ડોલી તળાવ,વિરાવલના તળાવ પણ છલકાયા છે.

73 ટકા વરસાદ ઓગસ્ટમાં
નવસારી જિલ્લામાં જૂન અને જુલાઈ માસમાં માત્ર 504 મિમી જ વરસાદ પડ્યો હતો, જ્યારે હાલ 1851 મિમી થઈ ગયો છે. આમ જૂલાઇ સુધી 27 ટકા વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જ 73 ટકા વરસાદ ઝીકાયો છે.

અન્ય સમાચારો પણ છે...