કલા પ્રદર્શન:કાલીબેલમાં આદિવાસી ટેલેન્ટ મેગા ઇવેન્ટનું આકર્ષણ

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં આદિવાસી કલાકારોને એક મંચ પર લાવવા માટે કરાયેલું આયોજન

નેહરૂ યુવા કેન્દ્ર ડાંગ અને હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે ડાંગનાં કાલીબેલ આશ્રમ શાળામાં ગુજરાતનું દ્વિતીય અને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું આદિવાસી કલાકારોને એક મંચ પર લાવતું આદિવાસી ટેલેન્ટ મેગા ઇવેન્ટ કલા અને સાંસ્કૃતિક લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામા આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સમાજનાં ઉમદા કલાકારો ડાંગ, સુરત, તાપી, નવસારી, નર્મદા જિલ્લાનાં આદિવાસી સમાજનાં પ્રતિભાશાળી કલાકારો અને ડાંગનાં સ્કેચ આર્ટિસ્ટ સુરેશભાઈ ચૌધરી, અરવિંદભાઈ કાનત તેમજ ડાંગનાં વિવિધ પ્રવાસન સ્થળોનાં ફોટોગ્રાફ અને વાદ્યોની જાળવણી કરનાર વઘઈ PTC કોલેજનાં પ્રાધ્યાપક યોગેશભાઈ ચૌધરી દ્વારા આર્ટ ગેલેરી અને વારલી આર્ટ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

પરંપરાગત વાદ્યો, યોગા,સંગીત, રેપ, બેન્ડ, મિમક્રી અને રકસ એવેન્યુ રેડિયોનાં સંચાલક ડી.જે ‌આર્ટીફિક્સ વિમલ કેવલ અને મ્યુઝિક ધર્માએ કૃતિ રજૂ કરી દક્ષિણ ગુજરાતમાંથી આવેલ તમામ દર્શકોનું મન મોહી લીધું હતું. સ્કૂલ ટેલેન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં પણ આવ્યું હંતુ. ડાંગનું સુપ્રસિદ્ધ લોકનૃત્યો જેવા કે ડાંગી નૃત્ય, માદળ નૃત્ય, ઠાકર્યા નૃત્ય, પાવરી નૃત્ય આદિવાસી સંસ્કૃતિ કલા વારસાનાં અભીન્ન અંગ સમાન નૃત્યો દ્વારા માનભેર કૃતિ રજૂ કરવામાં આવી હતી. આદિવાસી સમાજ સમક્ષ સાંસ્કૃતિક કલા વારસો જળવાઈ રહે તેવી અપીલ કરવામાં આવી હતી.

નહેરૂ યુવા કેન્દ્ર ડાંગનાં અધિકારી અનુપભાઈ હિંગોલે અને હ્યુમન અલાયન્સ ટ્રસ્ટનાં અંકિત ગામિત, હિમાંશુ ગામિત, જગદીશ ગાયકવાડ, કવન પટેલ અને ઇવેન્ટ મેનેજર તુષાર કામડી દ્વારા આયોજત આદિવાસી ટેલેન્ટ મેગા ઇવેન્ટ કલા અને સંસ્કૃતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભૂસારા, સ્વામિનારાયણ સંસ્થાનાં સુરતનાં સંતો, કાલીબેલ આશ્રમશાળાનાં આચાર્ય રમેશભાઈ પટેલ, આદિવાસી સમાજનાં અગ્રણી ડો.પટેલ, ડો.પ્રદીપભાઈ ગરાસીયા તેમજ ગામ અગ્રણી વિશ્રામભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.

આદિવાસી સમાજનાં ઉમદા કલાકારોને યોગ્ય મંચ મળી રહે એક નવી ઓળખ ઊભી થાય તથા ડાંગનો કલા વારસો જળવાય રહે તે માટેનાં અથાક પ્રયાસો અને આદિવાસી સમાજનાં વિવિધ કલાકારો સૌથી મોટા મંચ પર જઈ શકે તે માટે આ કાર્યક્રમને સાર્થક બનાવવા આદિવાસી સમાજનાં છોટુભાઈ વસાવા અને વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ જેવા સમાજ આગેવાનોનો સિંહફાળો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...