અંતિમયાત્રામાં ગામ હીબકે ચડ્યું:સમરોલી ગામમાં એકસાથે ચાર અર્થી ઊઠતાં પરિવારજનોનું હૈયાફાટ રુદન, કન્ટેનર કાળ બની પરિવાર પર ત્રાટક્યું હતું

નવસારીએક મહિનો પહેલા
  • કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત થતાં 5 લોકોનાં મોત થયાં હતાં, એકનો આબાદ બચાવ થયો હતો
  • અંતિમયાત્રામાં ગ્રામલોકો ઉપરાંત મંત્રી નરેશ પટેલ પણ જોડાયા

નવસારીના ધોળાપીપળા પાસે ગઈકાલે કન્ટેનર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના સહિત તેમનાં સગાસંબંધી મળી કુલ પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. ચીખલીના સમરોલી ગામનો પટેલ પરિવાર લગ્નની ખરીદી કરવા સુરત ગયો હતો અને અકસ્માતનો ભોગ બન્યો હતો. ત્યારે આજે સમરોલી ગામે એકસાથે ચાર મૃતકની સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ હીબકે ચડ્યું હતું.

લગ્નની ખરીદી કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો
નવસારીના કસ્બા ધોળાપીપળા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરઝડપે આવી રહેલું કન્ટેનર ઈકો કાર પર પડતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોનાં ઘટનાસ્થળે જ દબાઈ જવાથી કરુણ મોત થયાં છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. એ બાદ પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં જે કન્યાના લગ્ન હતા તેનાં માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનાં મોત થયાં હતાં.

ગેસકટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા
આ અકસ્માતના પગલે નવસારી જિલ્લા કલેકટર, એસપી અને કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે એમાં ફસાયેલા મૃતદેહને કાઢવા માટે કલાકોની જહેમત કરવી પડી હતી અને ફાયર વિભાગની ટીમે ગેસકટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મોડી રાત્રે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. ત્યારે બીજા દિવસે સવારે એટલે કે આજે ચીખલીના સમરોલી ગામ ચાર મૃતકની સ્મશાનયાત્રા નીકળી હતી. એમાં સમગ્ર ગામ અને કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ પણ જોડાયા હતા. જ્યાં લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં નિરાશા અને આંસુ સાથે મૃતકોનાં અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા.

મૃતક પ્રફુલ પટેલ.
મૃતક પ્રફુલ પટેલ.

પરિવારના ત્રણ લોકોનાં મોત થતાં દીકરીના માથે આભ તૂટી પડયું
આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. જે યુવતીના લગ્ન હતા તેનાં માતા-પિતા, ભાઈ અને માસી સહિત અન્ય એકનું ઘટનાસ્થળે જ મોત થતાં દીકરીના માથે જાણે આભ તૂટી પડયું હતું. આ અકસ્માતમાં માત્ર 1 યુવાન દીપ પટેલનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનામાં ગ્રામ્ય પોલીસે કન્ટેનરચાલકની ધરપકડ કરીને કાયદેસરનાં પગલાં લેવાની શરૂઆત કરી છે.

દીપ પટેલ( બચી જનારી વ્યક્તિ).
દીપ પટેલ( બચી જનારી વ્યક્તિ).

મૃતકોનાં નામ

રોનક કાંતિ પટેલ (ઉં. 22 વર્ષ)

મનીષા ઉર્ફે મંશાબેન મુકેશ પટેલ (ઉં. 42 વર્ષ)

પ્રફુલ લાલુભાઈ પટેલ (કારચાલક) (ઉં. 50 વર્ષ)

મીનાક્ષી પ્રફુલ પટેલ (ઉં. 42 વર્ષ)

શિવ ઉર્ફે રિદ્ધિશ પ્રફુલભાઈ પટેલ (ઉં.18 વર્ષ)

બચી જનાર

દીપ કાંતિ પટેલ (ઉં. 20 વર્ષ)

અન્ય સમાચારો પણ છે...