શ્રીજી વિશેષ:જૂનાથાણા વિસ્તારનો મેળો બંધ થઈ જતા નવસારી પંથકમાં ગણેશોત્સવની રોનક ઘટી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા કેટલાય વરસો સુધી મેળાએ શહેરના ગણેશોત્સવનું આકર્ષણ વધાર્યું હતું

નવસારીમાં છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાથાણા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન ભરાતો મેળો બંધ થતા રોનક ઘટી ગઈ છે.આમ તો કોરોનાના બે વર્ષ બાદ કરતા મોટાભાગના વર્ષોમાં નવસારીમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ છે. ઠેર ઠેર આકર્ષક ડેકોરેશનો કરવામાં આવતા રહ્યાં છે. જોકે શહેરના ગણેશોત્સવમાં એક મોટુ આકર્ષણ સામાન્ય લોકો માટે જૂનાથાણા સરકારી પરિસર તથા તેની નજીક ભરાતો મેળો પણ રહ્યો છે. અહીં વરસોવરસ મેળો ભરાયો હતો. જેમાં જાતજાતના ચકડોળ સહિતના આકર્ષણો, વેચાણના સ્ટોલ, ખાદ્યવસ્તુની મજા પણ લોકો માણતા હતા.

શહેરના જ નહીં ગામડામાંથી પણ હજારો લોકો શહેરમાં અન્ય સ્થળે કદાચ નહીં જાય પણ મેળાની મજા તો માણતા જ હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષથી કોરોના અગાઉથી મેળો બંધ થઈ ગયો છે. મેળો બંધ થતા સામાન્ય લોકોની રોજીરોટીને પણ અસર થઈ છે. હવે તો સરકારી બિલ્ડીંગો પણ અહીં મસમોટા બની ગયા છે. મેળો બંધ થતા જૂનાથાણામાં ગણેશોત્સવની રોનક ઓછી થઈ છે. જોકે અહીં શ્રીજીની મૂર્તિનું સ્થાપન તો થતું જ આવ્યું છે.

હવે ભરાતા નાના મેળા
જૂનાથાણા વિસ્તારનો મેળો બંધ થયા બાદ હવે શહેરના અન્ય વિસ્તારોમાં થોડા થોડા સ્ટોલ, ચકડોળ લાગી રહ્યાં છે. અહીં પણ નાના વેપારી રોજીરોટી મેળવે છે અને લોકોને મજા માણે છે પરંતુ જૂનાથાણાના મેળા જેવી રોનક, ચહલપહલ નથી.

અન્ય સમાચારો પણ છે...