દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી શીત લહેરને કારણે લોકો શરીરમાં ગરમી આપતી વાનગી આરોગવાની શરૂઆત કરી છે, જેમાં ઉંબાડિયું હોટ ફેવરિટ છે. લીલું લસણ, આદુ મરચાં, બટાકા, લીલી પાપડી અને કંદને વિશેષ પદ્ધતિથી માટલામાં બાફીને બનાવવામાં આવતી આ વાનગીને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી આરોગવામાં આવે છે. હવે ઠંડી વધતાં ઉંબાડિયાના વેચાણમાં વધારો થયો છે.
વર્ષ પહેલાં ઉંબાડિયું આદિવાસીઓ બનાવતા હતા
સામાન્ય રીતે શિયાળામાં શરીરમાં ગરમી આપતી વિવિધ વાનગીઓ વિશેષ પ્રમાણમાં આરોગાતી હોય છે, પણ દ.ગુજરાતમાં ઘણા વર્ષ પહેલાં જ ઉંબાડિયું આદિવાસીઓના ખેતરોમાં અને કયારીઓમાં હાંડવા અને માટલાઓમાં તૈયાર થતું હતું. જેમ જેમ સમય વિતતો ગયો એમ ઉંબાડિયાની બનાવટ પદ્ધતિ અને એને આરોગનાર વિશાળ વર્ગ વધતો ગયો છે. ખાસ કરીને નવસારી-વલસાડ જિલ્લામાં આજે એક મોટા ગૃહ ઉદ્યોગ તરીકે ઉપસીને બહાર આવ્યો છે. ગણદેવી સતિમાતા મંદિર સામે ઉંબાડિયાના વેચાણની લાંબી લાંબી લાઇનો જોવા મળે છે. જેમાં સાંજે ઠંડી વચ્ચે વરાળ નીકળતું ઉંબાડિયું શરીરમાં ગરમી આપે છે.
ઉંબાડિયાના શોખીનો મહારાષ્ટ્રમાંથી ખાવા આવે છે
નવેમ્બર મહિનાથી હોળી સુધી ચાલતો આ ઉદ્યોગ એક સિઝનમાં 23 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરી રહ્યો હોવાનો અંદાજ છે. નવસારી શહેર ગણદેવી, ડુંગરી વિસ્તારમાં મુંબઈ અને વડોદરા ઉપરાંત બારડોલી અને મહારાષ્ટ્રમાંથી પણ ઉંબાડિયાના શોખીનો આવીને પોતાની ફેવરિટ વાનગી ટેસ્તથી આરોગે છે. ઉંબાડિયાની હાટની હરોળમાં આઠથી દસ અન્ય પરપ્રાંતીય હિન્દી ભાષી વેપારીઓ પણ છેલ્લા દોઢ દાયકાથી આ ઉંબાડિયાનો વેપાર ચલાવી રહ્યા છે. શિયાળામાં ઉંબાડિયું સાથે મઠ્ઠો અને ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોવાનું અમદાવાદથી આવેલા હર્ષ પંડ્યાએ જણાવ્યું હતું.
કઇ રીતે બને છે ઉંબાડિયું?
એક નાના મોઢાના માટલાની અંદર કલહાર નામની વનસ્પતિ પાથરી દેવામાં આવે છે અને એ માટલાની અંદર પાપડીનું લેયર બનાવવામાં આવે છે. બાદમાં શકરીયાના વેંચરી બનાવી, કંદ મૂડી મસાલો ભરવામાં આવે છે. આ રીતે સંપૂર્ણ માટલું ભરાઈ ગયા બાદ એક કોડિયાયી એને ઢાંકી બાફવામાં આવે છે અને બફાઈ ગયેલું તૈયાર થયેલું ઉંબાડિયું સિંચવા માટે થોડું ઠંડુ કરવામાં આવ્યા છે અને બાદમાં ચટણી અને મઠ સાથે પીરસવામાં આવે છે.
ઓર્ડર આપીને કસ્ટમાઈઝ ઉંબાડિયું તૈયાર થાય છે
અમદાવાદ વડોદરા અને સુરતના ટેસ્ટ લવર લસણ વગરનું અથવા પોતાની જરૂરિયાત મુજબ તીખું કે પાપડી વગરનું કસ્ટમાઈઝ ઉંબાડિયું પણ બનાવડાવે છે અને વેપારીઓના મો માંગ્યા દામ આપવા પણ તેઓ હંમેશા તૈયાર રહે છે. દક્ષિણ ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને કારણે લાંબા સમય સુધી ગરમીનો અનુભવ થતો હતો ત્યારે ઉંબાડિયાનો ધંધો પણ સુસ્ત જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી ઠંડીની લહેર વધતા ઉંબાડિયાના ધંધામાં પણ ગરમી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.