પ્રાકૃતિક તાલીમ:મેથડ ડેમોસ્ટ્રેશનના ભાગરૂપે ખેડૂતોને પ્રેક્ટીકલ દર્શપર્ણી અર્ક અને જીવામૃતની તાલીમ અપાઈ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદાના ઉમરકુઈમાં બે દિવસીય તાલીમમાં 60 ખેડૂતોએ ભાગ લીધો

ભારત સરકાર અને ગુજરાત સરકાર જળ, જમીન, વાયુને પ્રદૂષિત થતા અટકાવવા અને ગુણવત્તાસભર તથા પોષણયુકત વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રઘ્યાન આપીને ખેડૂતોમાં તેની જાણકારી વધે તે માટે વિવિધ યોજના શરૂઆત કરી છે.

જેના ભાગરૂપે કૃષિવિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વાંસદાના ઉમરકુઈ ગામે તા.2 અને 3 જાન્યુઆરીના રોજ પ્રાકૃતિક ખેતીની અગત્યતા અને તેના મહત્વ તથા ફાયદા અંગેની જાણકારી ખેડૂતોને આપવા માટે બે દિવસીય તાલીમ યોજાઈ હતી.

જેમાં પહેલા દિવસે ખેડૂતોને ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા તેના વિવિધ દ્રવ્યો જેવા કે ગૌમૂત્ર, ગોબર, દૂધ, ઘી અને છાશ વગેરેમાં રહેલા ગુણધર્મો વિશેની ઉંડાણપૂર્વક સમજણ આપતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.કે.ઓ.શાહે પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ સિધ્ધાંતો જેવા કે બીજામૃત, જીવામૃત/ઘનજીવામૃત, વાસા, મિશ્રપાક/આંતરપાક અને વનસ્પતિજન્ય દવાની બનાવટો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડૉ.પ્રભુ નાયકાએ ખેતરમાં તથા શેઢાપાળે ઉપલબ્ધ વનસ્પતિઓ જેવી કે લીમડો, આંકડી, પતરો, નફટીયો વગેરે વનસ્પતિમાંથી વિવિધ જંતુનાશકો જેવી કે બ્રહમાસ્ત્ર, નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, દર્શપર્ણી અર્ક વગેરે બનાવવાની પધ્ધતિઓથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તાલીમના બીજા દિવસે ખેડૂતોએ મળીને માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા ગામના સૌને ઉપયોગી જગ્યાએ સ્વચ્છતા હાથ ધરીને ગામને સ્વચ્છ રાખવાના શપથ લીધા હતા.

તથા આ દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા '' મેથડ ડેમોસ્ટ્રેશન''ના ભાગરૂપે ખેડૂતોને પ્રકેટીકલ દશપર્ણી અર્ક અને જીવામૃત વગેરે બનાવટની પ્રત્યક્ષ તાલીમ આપીને ખેડૂતોનો આગામી સમયમાં ખેતી પાકોમાં તેના ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ બે દિવસની તાલીમમાં ઉમરકુઈના સરપંચ, દૂધ મંડળીના પ્રમખ અને આગેવાનો ભાઈ બહેનો મળીને 60 વ્યક્તિઓ ઉત્સાહભેર ભાગ લઈને ખેતીમાં મૂંઝવતાં પ્રશ્નો વિશેની જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...