વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જર્જરિત અને ભયજનક બંને નાની-મોટી કુલ 191 મિલકતના માલિકોને મિલકતો ઉતારી લેવા નોટિસ ફટકારવામાં આવી છે. જો કે આ 191 પૈકી 41 અતિભયજનક જોખમી ઇમારતના માલિકોને નોટિસ પાઠવી નિયમાનુસાર કાર્યવાહી કરવા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ચોમાસાની સિઝનમાં વરસાદ અને વાવાઝોડાને કારણે વર્ષો જૂના મકાનો ઈમારત તૂટી પડવાની સંભાવના અને તેના કારણે જાનમાલને નુકશાન સાથે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ રહે છે. જેથી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલારૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી વર્ષો જૂની જર્જરિત અને ભયજનક બનેલી કુલ 191 મિલકતના માલિક સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકાની નોટિસ બાદ 70 જેટલી નાની મોટી જર્જરિત ઇમારતો-મકાન-એપાર્ટમેન્ટ ઉતારી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 80 ઇમારતના માલિકોએ પોતાના મકાન એપાર્ટમેન્ટની મરામત કરાવી ભયમુક્ત બન્યા છે.
આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી 45થી 50 વર્ષ જૂની જર્જરિત અને અત્યંત ભયજનક કુલ 41 મિલકતમાં માલિકો અને સંચાલકોને નોટિસ પાઠવીને તેમને આ ઇમારત ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં અત્યંત ભયજનક અને વર્ષો જૂની ઇમારતો-મકાન તાકીદે ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. મકાન માલિકોને નોટિસ મળ્યા બાદ ઈમારત નહીં ઉતારે તો પાલિકા દ્વારા નિયમોનુસાર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમાં ડ્રેનેજ, પાણી કનેક્શન સેવા બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શહેરની અત્યંત ભયજનક ઇમારતોમાં શાંતાદેવી ખાતે આવેલી નવપ્રદ એપાર્ટમેન્ટ, રાવલ એપાર્ટમેન્ટ, તરોટા બજાર ખાતે આવેલું નીલકંઠ એપાર્ટમેન્ટ, ચારપુર બોદાલિયા બિલ્ડિંગ, જલાલપોરમાં જીતુ નિવાસ, નાટક ચાલ, સાબર એપાર્ટમેન્ટ, સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.