બેંક હડતાળ:નવસારી જિલ્લાની 230 બેંકના કર્મચારીઓ હડતાળ પર જતા જ ગુરૂવારે મોટાભાગનું બેંકિંગ કામકાજ ઠપ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિનેશ પરમાર, ડેપ્યુટી જનરલ સેક્રેટરી ગુજરાત રાજ્ય, INBOC - Divya Bhaskar
દિનેશ પરમાર, ડેપ્યુટી જનરલ સેક્રેટરી ગુજરાત રાજ્ય, INBOC
  • સરકારની કથિત ખાનગીકરણ નીતિના વિરોધમાં ઉઠાવાયેલું પગલું

સરકાર બેંકના ખાનગીકરણ અંગેનો ખરડો લાવવાની તૈયારી કરી રહીં છે ત્યારે તેનો સરકારી ક્ષેત્રની બેંકના કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે અને 16 અને 17 ડિસેમ્બરે બેંક કર્મચારીઓએ હડતાળ ઉપર જવાનું એલાન કર્યું હતું. જેને નવસારી જિલ્લાના સરકારી બેંક કર્મચારીઓએ પણ સમર્થન આપ્યું હતું. 16મીને ગુરૂવારે હડતાળના પ્રથમ દિવસે નવસારી સહિત જિલ્લાભરમાં આવેલી 230 જેટલી જાહેર (સરકારી) ક્ષેત્રની મોટાભાગની બેંકોના કર્મચારીઓ હડતાળ ઉપર ગયા હતા.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, યુકો બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક સહિતની મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ હડતાળ ઉપર જતા મહત્તમ બેંકિંગ કામકાજ ખોરવાયું હતું. બેંકના શટર ડાઉન જોવા મળ્યાં હતા. જિલ્લામાં અંદાજે 800થી 1 હજાર કર્મચારીઓ હડતાળ ઉપર ગયા હતા. જોકે ખાનગી ક્ષેત્રની બેંકોનું કામકાજ જારી રહ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે 16મીએ બે દિવસીય હડતાલનો પ્રથમ દિવસ હતો. 17મી ડિસેમ્બરે પણ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

ખાનગીકરણ થાય તો આ અસર
જો સરકારી બેંકનું ખાનગી કરણ કરવામાં આવે તો ખાસ કરીને નાના માણસોને મોટી અસર થાય. વધારાનો સરચાર્જ લાગુ પડે, સરકારી નોકરીઓ ખતમ થશે, લોકોની બચત પર વ્યાજનું દર ઘટશે, અનામત પ્રથા બંધ થશે, જીરો બેલેન્સથી ખાતા નહીં ખુલે, આ ઉપરાંત આમ જનતા માટે સસ્તા ધિરાણ બંધ થશે, બેંકમાં પડેલ ગ્રાહકોની થાપણ ઉપર જોખમ વધશે, આવી અનેક અસરોને લઇને બેંકના કર્મચારીએ લોકહિત માટે ખાનગીકરણ સામે િવરોધ નોંધાવ્યો છે. લોકો પણ તેમાં સહકાર આપે તે જરૂરી છે. - દિનેશ પરમાર, ડેપ્યુટી જનરલ સેક્રેટરી ગુજરાત રાજ્ય, INBOC

અન્ય સમાચારો પણ છે...