રેલવે તંત્રના છબરડા:1997થી નવસારી જિલ્લો દિલ્હી રેલવેના રેકોર્ડમાં તાલુકા તરીકે યથાવત, જિલ્લાને મળવાપાત્ર લાભથી વંચિત

નવસારીએક મહિનો પહેલા
  • સાંસદ સી.આર.પાટીલની ત્રીજી ટર્મ પરંતુ રેલવેને લાગતા મોટાભાગના પ્રશ્નો વણઉકેલ્યા
  • રેલવે કન્સલ્ટીવ સમિતિ, ચેમ્બર ઓફ કોમર્સ સહિત ધારાસભ્યએ ભેગા થઈ સાંસદની મુલાકાત લીધી
  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નવસારીને જિલ્લાની માન્યતા આપવા અપીલ કરી

2જી ઓક્ટોબર 1997માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવસારીની વર્ષો જૂની માંગણીનો ઉકેલ લાવીને નવસારી તાલુકાને અલાયદા જિલ્લા જાહેર કર્યો હતો. ત્યારે આ જિલ્લાને બન્યાને 24 વર્ષ થયા છે છતાં પણ દિલ્હી ખાતેની રેલવે કચેરીમાં નવસારીની ગણતરી એક તાલુકા તરીકે થઇ રહી છે. જેને લઇને રેલ્વે તરફથી એક જિલ્લાને મળતી સુવિધાઓ વર્ષોથી મળી રહી નથી.

ત્રણ દિવસ અગાઉ દિવ્ય ભાસ્કરમાં નવસારી પ્લેટફોર્મ પર પાસ હોલ્ડરો ટ્રેન પકડવાની લ્હાયમાં પટકાયાના સમાચાર પ્રસારિત થયા હતા. જેને લઇને તાત્કાલિક રેલવે કન્સલ્ટીવ સમિતિ, ચેમ્બર ઓફ કોમર્સ, સહિત ધારાસભ્યએ ભેગા થઈને રેલવેના કોચ વધારવા માટે અને અન્ય ટ્રેનની શરૂઆત થાય તે માટે સાંસદ સી.આર.પાટીલની ગઈકાલે શુક્રવારે સાંજે મુલાકાત લીધી હતી. તેમજ પાસ હોલ્ડરોની સમસ્યા નિવારવા માટે સાંસદ દ્વારા પ્રયત્નો થાય તેવી માંગ કરી હતી.

નવસારી હજી પણ તાલુકા તરીકે જ નોંધાયેલું

આ બધાની વચ્ચે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત સુખડિયા દ્વારા સાંસદને માહિતી આપવામાં આવી હતી કે રેલવે વિભાગની વડી કચેરી દિલ્હી ખાતે નવસારી જિલ્લો હજી પણ તાલુકા તરીકે જ નોંધાયેલો છે. જેને સુધારીને જિલ્લા તરીકે માન્યતા આપવા આવે તો મહત્વની ટ્રેનોના સ્ટોપેજ સહિતના જરૂરી લાભ નવસારી જિલ્લાને પ્રાપ્ત થાય.

VIP ક્વોટાની માંગનો પણ ઉકેલ ન આવ્યો

જિલ્લામાં વસતા મુસાફરોના VIP ક્વોટાની માંગનો પણ ઉકેલ આવ્યો નથી. જો કોઈ વ્યક્તિને તાત્કાલિક ધોરણે રેલવે ટિકિટ જોઈતી હોય તો તેમણે સુરત જઈને VIP ક્વોટા અંતર્ગત ટિકિટ મેળવી પડે છે. જે લાભ નવસારીને મળવા પાત્ર હોવા છતાં પણ આજદિન સુધી આ વિષયમાં કામગીરી થઈ નથી.

સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરાઈ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત સુખડીયાના જણાવ્યા મુજબ તેમણે સાંસદ સી.આર.પાટીલને મળીને નવસારી રેલવે સ્ટેશનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. જેમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ અને અન્ય રેલવે સલાહકાર સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેના અંતર્ગત દક્ષિણ ગુજરાતના ZRUCC મેમ્બર એવા છોટુભાઈ પાટીલે પણ DRM અને જનરલ મેનેજર સાથે વાત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કરી છે. સાથે જ થોડાક દિવસોમાં ઇન્ટરસીટી ટ્રેનમાં 24 કોચ ઉપલબ્ધ થશે. સાથે જ દિલ્હી ખાતેની રેલવેની વડી કચેરીમાં નવસારી જિલ્લો હજી પણ તાલુકા તરીકે નોંધાયેલો છે જેને બદલાવ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...