આદિવાસી મહિલાઓનો કસબ:વાંસમાંથી બનાવી કલાત્મક રાખડી, ડાંગની મહિલાઓ યુનિક ડિઝાઇન ધરાવતી રાખડીઓનું ઓનલાઇન કરે છે વેચાણ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંસને રોજગારીમાં પરિવર્તિત કરીને આદિવાસી પરિવારો સારીએવી કમાણી કરી રહ્યા છે
  • રાખડીઓ સાથે વર્ષ દરમિયાન ઇઅરિંગ, રમકડાં, વાસણો સહિત અન્ય વરાઇટી પણ બનાવે છે

11 દિવસ બાદ, એટલે કે 22 ઓગસ્ટના રોજ ભાઈ-બહેનનો પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબંધન છે. રક્ષાબંધન દરમિયાન માર્કેટમાં અનેક પ્રકારની વરાઇટી અને યુનિક રાખડીઓ આવતી હોય છે. બહેનો પણ આવી જ રાખડીઓ ખરીદવાનો આગ્રહ રાખતી હોય છે. ત્યારે આદિવાસી વસતિ ધરાવતા ડાંગની બહેનોએ વાંસમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી રાખડીઓ બનાવી છે. આ રાખડી ખાસ પ્રકારના મનવેલ વાંસમાંથી બનાવવામાં આવી છે. આ બહેનો દ્વારા રક્ષાબંધન માટે ખાસ કિટ પણ તૈયાર કરાય છે, જેમાં ત્યાંની જ બહેનોએ બનાવેલી મીઠાઇ, રાખડી સહિતની વસ્તુઓ હોય છે. બહેનો આ રાખડીનું ઓનલાઇન-ઓફલાઇન વેચાણ કરી રહી છે અને દેશભરમાં મોકલી રહી છે.

વાંસના પરંપરાગત વ્યવસાયને આધુનિક સૂરત આપી
ડાંગ જિલ્લાના આદિવાસીઓ વર્ષોથી વાંસમાંથી ટોપલા સહિત અન્ય પરંપરાગત સાધનો બનાવતા આવ્યા છે, પણ વાંસની વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવી એનું માર્કેટિંગ કરવાની ટ્રેનિંગ NGOએ આપી છે. આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ચલાવતી NGO ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે તેમને મદદ કરી વાંસના પરંપરાગત વ્યવસાયને આધુનિક સૂરત આપી છે.

રો-મટીરિયલનો કોઈ ખર્ચ નહીં
આ ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવા માટે મનવેલ જાતિના વાંસની જરૂર પડે છે. આ વાંસ આદિવાસી સમાજને મફતમાં મળી રહે છે. તેઓ વર્ષોથી આદિવાસી વાંસમાંથી અનેક કલાત્મક વસ્તુઓ બનાવી રહ્યાં છે. ત્યારે રાખડી બનાવવા માટે પણ તેમને આ મટીરિયલ ફ્રીમાં મળી રહ્યું છે, જેથી રો-મટીરિયલ ખરીદવાનો ખર્ચ તેમને થતો નથી.

રક્ષાબંધનની એક આખી કિટ બનાવવામાં આવે છે
હાલમાં તેમની પાસે વિવિધ કલાકૃતિવાળી રાખડી બનાવડાવામાં આવે છે, જેમાં તેમણે એક રાખડીની કિંમતના 30 ટકા રકમ મહેતાણારૂપે ચૂકવવામાં આવે છે. રાખડી 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની બને છે, સાથે જ એક કિટ પણ બનાવવામાં આવી છે, જેમાં રાખડી મીઠાઈ સ્વરૂપે નાગલીનાં બિસ્કીટ, કંકુ, ચાંદલો સહિત અન્ય વસ્તુઓ ધરાવતી આ કિટની કિંમત રૂપિયા 750 છે. કોઈપણ બહેન પોતાના ભાઈ સાથે સંપૂર્ણ રક્ષાબંધનનો તહેવાર ઊજવી શકે એ રીતે કિટ બનાવીને ભેટ આપી શકે છે. એ અતૂટ બામ્બુ રાખી નામની વેબસાઈટ પર જઈને ઓનલાઇન ખરીદી શકાય છે.

રક્ષાબંધનના બે મહિના પહેલાં રાખડી બનાવવાનું શરૂ કરે છે
રક્ષાબંધન આવવાના બે મહિના પહેલાંથી રાખડી બનાવવાનું કામ શરૂ થાય છે. આ કામ છેલ્લાં બે વર્ષથી ડાંગ જિલ્લામાં કાર્યરત છે. NGO આદિવાસી પરિવારોને ટ્રેનિંગ આપવા સાથે રોજગારી પણ પૂરી પાડે છે. ડાંગમાં ઊગી નીકળતા વાંસને રોજગારીમાં પરિવર્તિત કરીને આદિવાસી પરિવાર સારીએવી કમાણી કરી રહ્યા છે. એક વ્યક્તિ અઠવાડિયામાં 1600 રૂપિયાની કમાણી કરે છે. અત્યારસુધી દોઢ હજાર રાખડીઓ તૈયાર થઈ છે. રાખડીઓ સાથે વર્ષ દરમિયાન મહિલાઓ માટે ઇઅરિંગ, રમકડાં, વાસણો સહિત અન્ય વરાઇટી પણ બનાવવામાં આવે છે. હાલમાં જેમ લોકોને વાંસની બનેલી રાખડી વિશે ખબર પડે છે તેમ તેઓ ઓનલાઇન અને ઓફલાઇન એની ખરીદી કરી રહ્યા છે.

ઓનલાઇન તથા ઓફલાઇન વેચાણ કરી રહ્યા છે
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા ડુંગરડા ગામમાં એક NGOના સપોર્ટથી ચાર પરિવારો મળીને મનવેલ નામની જાતના ખાસ પ્રકારના વાંસમાંથી રાખડીઓ તૈયાર કરીને એને ઓનલાઇન તથા ઓફલાઇન વેચાણ કરી રહ્યા છે. હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇકો ફ્રેન્ડલી ભારતીય બનાવટની વસ્તુઓ પર ભાર મૂક્યો છે, સાથે જ વાંસના વ્યવસાયને પણ આગળ ધપાવવા માટે પીએમ મોદીએ ખાસ રસ દાખવ્યો છે. એનજીઓના સપોર્ટથી આદિવાસી પરિવાર ટ્રેનિંગ મેળવીને વાંસમાંથી બનાવેલી યુનિક ડિઝાઇન ધરાવતી રાખડીઓ મેન્યુફેક્ચર કરી રહ્યા છે.

તેમના ટ્રેડિશનલની આસપાસ જ મેં એક પ્રોજેક્ટ બનાવ્યો
મહિલાઓને ટ્રેનિંગ આપનાર અંતિક મલિકે જણાવ્યું છે કે હું બામ્બુ સેક્ટરમાં ડિઝાઇનર છું. બે વર્ષ પહેલાં હું અહીં આવ્યો હતો. ત્યારે મેં જોયું કે અહીં કોતવાલિયા વસાહત છે, જેમને જીવનનિર્વાહ કરવામાં સમસ્યા છે. તેમને તેમના ટ્રેડિશનલ સિવાય પૈસા કમાવવાનું બીજું કોઇ સાધન નથી. આ માટે તેઓ બીજે જતા રહે છે, મજૂરી કરે છે. આ જોઇને મેં તેમના ટ્રેડિશનલની આસપાસ જ એક પ્રોજેક્ટ બનાવ્યો, જેનું નામ છે અલ્ટરનેટિવ લાઇવલીહૂડ પ્લેટફોર્મ્સ, જેમાં કોતવાલિયાને અનેક પ્રકારની પ્રોડક્ટ્સની ટ્રેનિંગ આપી રહ્યા છીએ, જેમાં કિચેન, ટોય્સ સહિતની વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ આપીએ છીએ. એને તેઓ પોતાના લોકલ માર્કેટમાં સપ્લાય કરી શકે છે અને તેમનું જીવનધોરણ ઊંચું આવી શકે છે.

આમાંથી એકપણ વસ્તુ ડાંગ બહારની નથી
રાખડીની કિંમત 50થી 200 રૂપિયાની વચ્ચે છે, જેનો સપ્લાય સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. રાખીની ખાસિયત એ છે કે આખું પેકેજ ત્રણ એશેજિક ગ્રુપ(સેલ્ફ હેલ્પ ગ્રુપ)થી બનાવ્યું છે. આ એશેજિક ગ્રુપ ડાંગનું છે, જેમાં પાઉચ અમે અહીંની જ મહિલાઓ પાસે કપડામાંથી બનાવ્યાં છે. મીઠાઇ અહીંની અપના બેકરી પાસે બનાવડાવી છે. રાખડી વાંસમાંથી કોતવાલિયા વસાહત બનાવે છે. તેઓ પોતાના ટ્રેડિશનથી જ પટ્ટી બનાવે છે અને એ પટ્ટીમાંથી તેઓ અલગ-અલગ વસ્તુઓ બનાવે છે, જેમાંથી રાખડી એક પ્રોડક્ટ છે. આ સમગ્ર ઇકો ફ્રેન્ડલી નેચરલ છે. આ સંપૂર્ણ પેકેજ મેડ ઇન ડાંગ છે, આમાંથી એકપણ વસ્તુ ડાંગ બહારની નથી.

રાખડી સહિતની વસ્તુઓ બનાવતા શીખ્યા
રાખડી બનાવતાં મધુબેન ગાવિતે જણાવ્યું હતું કે અમે વાંસ લાવીએ છીએ, પહેલા એમાંથી ટોપલીઓ બનાવતા હતા, પરંતુ અંતિકભાઈ આવ્યા અને તેમણે અમને રાખડી, રમકડાં સહિતની વસ્તુઓ બનાવતા શીખવ્યું છે. આ બધું પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. અમે પાર્સલ બનાવીએ છીએ. આ પાર્સલ દિલ્હી, મુંબઇ સહિતનાં શહેરોમાં મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...