રહીશોનું શું વાંક?:નવસારીના દસ્તૂરવાડમાં 10 વર્ષમાં જ જર્જરિત થયેલી બિલ્ડિંગ ઉતારી પાડવાનો આર્કિટેક્ટની ટીમ દ્વારા રિપોર્ટ કરાયો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલા એપાર્ટમેન્ટના પિલર જર્જરિત થતા પાલિકાએ ખાલી કરાવ્યું હતું

શહેરના ચક્ચારી દસ્તૂરવાડના ફાતેમા આર્કેડ બિલ્ડીંગ જર્જરિત થવાના કિસ્સામાં, આર્કિટેક્ટની ટીમે નવસારી નગરપાલિકાને ફાતેમા આર્કેડ ઉતારી પાડવાનો રિપોર્ટ સોંપ્યો છે. માત્ર 10 વર્ષના ગાળામાં જ બિલ્ડીંગ જર્જરિત થતાં અને પીલર ફાટી જતાં બિલ્ડીંગ તાકીદે ખાલી કરાવી દેવાયું છે અને 8 પરિવારો બેઘર થઈ ગયા છે. ત્યારે હવે સમગ્ર બિલ્ડીંગ ઉતારી પાડવાનો રિપોર્ટ આવતાં રહીશો સ્તબ્ધ થઈ ગયા છે.

રહીશોએ ઘરના બદલામાં ઘર માંગ્યું હતું પરંતુ તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. નવસારી શહેરના દસ્તૂરવાડ ખાતે માત્ર 10 વર્ષ પહેલાં જ બનેલું ફાતેમા આર્કેડ નામનું બિલ્ડીંગ જર્જરિત થઈ જતાં ગત સપ્તાહમાં પાલિકાએ તેને ખાલી કરાવી દીધું હતું. બિલ્ડીંગના પીલર ફાટવા લાગતાં પાલિકાની ટીમે તેમાં રહેતાં 8 પરિવારોને સલામત સ્થળે ખસેલી સમગ્ર બિલ્ડીંગ ખાલી કરાવી લીધું છે. બિલ્ડીંગની સ્ટેબિલિટી અંગેની તપાસ પણ પાલિકા દ્વારા સોંપવામાં આવી હતી. હવે એવું જાણવા મળી રહ્યું છે કે તપાસમાં જોડાયેલી આર્કિટેક્ટની ટીમે ફાતેમા આર્કેડનું બિલ્ડીંગ જર્જરિત ઉપરાંત જોખમી હોવાના મત સાથે તેને ઉતારી પાડવાના સલાહ-સૂચન આપી દીધાં છે. એટલે કે બિલ્ડીંગ જોખમી હોવાથી તેને ઉતારી પાડવું જ સલામત ગણવામાં આવી રહ્યું છે. જેથી આ રિપોર્ટને આધારે પાલિકા બિલ્ડીંગ ઉતારી પાડવાની કાર્યવાહી ટૂંકમાં હાથ ધરે તો નવાઈ નહીં. બીજી તરફ બિલ્ડરને પૂરા રૂપિયા ચૂકવીને ફાતેમા આર્કેડમાં ઘર ખરીદનારા આઠ પરિવારો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ પણ રહીશોએ પાલિકા સમક્ષ મોરચો માંડ્યો હતો અને બિલ્ડર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી તમામ રહીશોને ઘરના બદલામાં ઘર મળે તેવી માંગ ઉઠાવી હતી.

રહીશોને આ અંગે હજુ કોઈ ન્યાય મળ્યો નથી, ત્યારે બેઘર થયેલા રહીશોનું જર્જરિત ઘર પણ જમીનદોસ્ત કરવાના સંજોગો ઉભા થતાં, રહીશો સ્તબ્ધ થઈ ગયા છે. આગામી દિવસોમાં આ ચક્ચારી પ્રકરણમાં વધુ વિવાદો જાગે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...