વિરોધ પ્રદર્શન:ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા અંગે ટિપ્પણી મુદ્દે આપના કાર્યકરોનો નવસારીમાં દેખાવ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના કાર્યકરો ભાજપ કાર્યાલય સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તમામને ડિટેન કરી લીધા હતા

નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક સભામાં ભગવાન કૃષ્ણ અને સુભદ્રા પર કરાયેલા નિવેદન ઉપર નવસારી આમ આદમી પાર્ટીએ વિરોધ કરી નવસારી ભાજપ કાર્યાલયમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખને જ્ઞાન મળે તે માટે ભાગવદ ગીતા આપવા પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય દ્વારા પોલીસેને જાણ કરાતા પોલીસે આપના શહેર પ્રમુખની ટીંગાટોળી કરી ડિટેન કર્યા હતા. લોકશાહીમાં પોલીસને આગળ કરવી એ ભાજપનો એક મંત્ર બની ગયો છે તેમ કહીં આપના કાર્યકરોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન જ પ્રમુખ બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડાયા હતા.

તાજેતરમાં દ્વારકામાં નવસારીના સાંસદ અને હાલના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાંગરો વાટયો હતો. જેને લઈને નવસારી-વિજલપોર શહેર આપ પાર્ટીના ચંદ્રકાંત રાણા, મહેશ બસ્તિકર, ગીરા પટેલ, શમીમબેન ઝારા, ગોપાલ મસાલાવાળા સહિત કાર્યકરો બપોરે 1.30 વાગ્યાના સમયે ભાગવદ ગીતાની ભેટ આપવા નવસારીના કાલિયાવાડી સ્થિત કમલમમાં ગયા હતા. જ્યાં આપના કાર્યકરો જોઈને ભાજપ કાર્યાલયમાં ઉપસ્થિત અગ્રણીઓએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.

ગ્રામ્ય પોલીસે આવતા તેમને વિરોધ કરતા અટકાવ્યા હતા. આપના કાર્યકરોએ જણાવ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખનું જ્ઞાન વધે તે માટે ભગવદ ગીતા આપવા આવ્યા છીએ તેમ કહેવા છતાં તમામ કાર્યકરોને પોલીસે બાનમાં લેતા આપના તમામ કાર્યકરો કમલમ કાર્યાલયથી થોડે દૂર જ એક જગ્યાએ બેસી જઇ ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી કૃષ્ણ-જય શ્રીરામ’ના નારા લગાવી દેખાવ કરવા લાગ્યા હતા. ગ્રામ્ય પીએસઆઇ અને પોલીસ સ્ટાફે શહેર પ્રમુખ મહેશ બાસ્તિકરની કોઈ વાત નહીં સાંભળી તમામ કાર્યકરોને પોલીસવાનમાં બેસાડી દઈ દશેરા ટેકરીમાં આવેલ ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગયા હતા.

આપના પ્રમુખ બેભાન થયા
ભાજપ કાર્યાલય કમલમમાં ભગવદ ગીતા આપવા જતા આપના કાર્યકરોને જોઈ ભાજપ અગ્રણીઓએ પોલીસને બોલાવી હતી. તે વખતે પોલીસે ટીંગાટોળી કરી તમામને ડિટેન કર્યા હતા. દરમિયાન પ્રેશરને લો થઈ જવાને કારણે આપના પ્રમુખ થોડો સમય માટે બેભાન થઈ જતા તેને તાત્કાલિક સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે અન્ય તમામને ડિટેન કરાયા હતા. 1 કલાકની સારવાર બાદ પ્રમુખને પણ રજા અપાતા તેને ડિટેન કરી લેવાયા હતા. આ લખાય છે ત્યારે મોડી સાંજ સુધી તેઓને છોડ્યા નહીં હોવાની માહિતી મળી છે.

વિરોધ પ્રદર્શન કહીં ડિટેન કરાવ્યાં
ભાજપ પ્રદેશ પ્રમુખના ‘ભગવદ ગીતા જ્ઞાન’ની અજ્ઞાનતાને કારણે ભગવાન કૃષ્ણ અને સુભદ્રા માતા બાબતે તે જાહેરમાં વાત કહી જેને લીધે હિન્દુ તરીકે અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. તેમનું જ્ઞાન વધારવા માટે અમે ભગવદ ગીતા આપવા ગયા પણ તેઓ અમારી મદદને વિરોધ પ્રદર્શન કહી ડિટેન કરાવ્યા હતા. તે દરમિયાન મારૂં પ્રેશર ઘટી જતાં સારવાર બાદ રજા અપાઈ અને પુનઃ પોલીસ મથકે લઈ ગયા હતા. -મહેશ બાસ્તિકર, પ્રમુખ, નવસારી-વિજલપોર શહેર આપ

ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા અંગે કરાયેલી ટિપ્પણી મુદ્દે આપના કાર્યકરો નવસારી ભાજપ કાર્યાલયે ભગવદ ગીતા આપવા માટે જઇ રહ્યા હતા ત્યારે કાર્યાલય લઇ નજીક પોલીસે તેમને ડિટેન કર્યા હતા તે દરમિયાન આપના પ્રમુખ બે ભાન થઇ જતા તેમને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...