પારણોત્સવ:સામૂહિક 252 તપસ્વીઓના વર્ષીતપના પારણા

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 વર્ષથી લઇને 101 વર્ષની વય સુધીના લોકોએ સતત 400 દિવસ ઉપવાસ કર્યા

નવસારી સંસ્કાર ભારતી સ્કૂલમાં બનાવેલા હસ્તિનાપુર નગરીમાં સામૂહિક 252 તપસ્વીઓને વર્ષીતપના પારણાં કરાવાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. નવસારીમાં મધુમતી સ્થિત ભગવાન ચિંતામણી પાર્શ્વનાથની પેઢી,મધુમતી દેરાસર દ્વારા જય જીનેન્દ્રના જયઘોષ સાથે પ્રેમ, ભક્તિ, શિસ્ત, આતિથ્ય, મિતાહાર સાથે પં. પદ્મબોધિજી, પેઢી પ્રમુખ કિરીટ શાહ, પોપટલાલ રતિલાલ શાહ, નિરવ પ્રકાશ સુંદરબેન ફકીરલાલ, અનિષ રાયચંદ ગોકળદાસ, કૌશલ શાહ વગેરે સંખ્યાબંધ કાર્યકરોની 400 દિવસની જહેમતથી 252 તપસ્વીઓની વર્ષીતપની સાધના પરિપૂર્ણ થઈ હતી. બે દિવસમાં 30 હજારથી વધુ લોકોએ ધાર્મિક પર્વનો લાભ લીધો હતો.

મળતી માહિતી મુજબ મધુમતી સ્થિત આવેલા જૈન દેરાસરમાં સવારે 5.30 કલાકે આદિશ્વરદાદાનો ઇક્ષુ રસ વડે અભિષેક કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે 8 કલાકે ગુરૂ ભગવંતો અને તપસ્વીઓ સાથે મધુમતી ચિંતામણી જીનાલયથી શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી સંસ્કાર ભારતી સ્કૂલમાં બનાવેલ હસ્તિનાપુર નગરીમાં પહોંચી હતી. જયાં સવારે 11 વાગ્યે 252 તપસ્વીઓને ઇક્ષુ રસ (શેરડીનો રસ)થી પારણાં કરાવાયા હતા.

સંસ્કારી નવસારી નગરીમાં પં. પદ્મબોધિવિજયજીની આગેવાનીમાં આ ઐતિહાસિક પારણાંનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયું હતું. જૈનધર્મમાં 13 મહિનાના તપને વર્ષીતપ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપવાસ 400 દિવસ એટલે કે 13 મહિના માટે કરવામાં આવે છે. નવસારી શહેરના 162 પરિવારના 252 લોકોએ આ કઠોર તપ કર્યા હતા.

કોણે કોણે ધર્મલાભ લીધો
મુખ્ય મૂર્તિનો લાભ કાલીયાવાડીના જયેશ વસ્તુપાળ શાહ પરિવાર, ભગવાન ચિંતામણી દાદાની 90મી મુખ્ય ધજાનો લાભ પ્રકાશ રતિલાલ શાહ (હાલ સુરત), શ્રેયાંશકુમાર પરિવાર તરીકે પદ્માવતી ગ્રુપના કલ્પેશ ધીરજલાલ કોઠારીએ લીધો હતો. સમસ્ત જૈન સંઘના મોભી કનુભાઈ દોશી, સુશીલાબેન ભૂરાલાલ શાહ, ભરત વેણીલાલ શાહ વગેરે ઉછામણીમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...