પેન ડાઉન હડતાળ:રાનકુવા PHCની બે મહિલા આરોગ્ય કર્મી અને એક આશા વર્કરના સસ્પેન્શન સામે રોષ, 650 આરોગ્ય કર્મીઓ આજથી હડતાળ પર ઉતર્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયત કચેરીએ ધરણા પર બેસેલા આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. - Divya Bhaskar
જિલ્લા પંચાયત કચેરીએ ધરણા પર બેસેલા આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
  • સગર્ભાને સમયસર સારવાર ન આપતાં તેનું મોત થયાનું તારણ કાઢી કર્મીઓને સસ્પેન્ડ કરાઇ હતી
  • રેફરલના ડોકટરે જણાવ્યું કે, બામણવેલની મહિલા સગર્ભા હતા, ખાનગી હોસ્પિ.માંથી રિફર થઇને રેફરલમાં લવાયા બાદ તેનુ મોત નિપજયું હતું
  • બે આરોગ્ય કર્મી અને એક આશા વર્કરને સસ્પેન્ડ કરાયા બાદ જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય કર્મચારીઓએ આંદોલનના મંડાણ કર્યા

ચીખલીના બામણવેલ ગામની સગર્ભાને રાનકુવા PHCની બે મહિલા આરોગ્ય કર્મીઓએ સમયસર સારવાર ન આપતાં તેનું અવસાન થયું હોવાનું તારણ કાઢી જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી હતી. જેના પગલે જિલ્લાના 700 આરોગ્ય કર્મીઓ આજે બુધવારથી જ્યાં સુધી સસ્પેન્શન પાછુ ન ખેંચાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.

નવસારી જિલ્લાના 45 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 298 સબ સેન્ટરો પર કાર્યરત 700 આરોગ્ય કર્મીઓ તેમની પડતર માંગણીઓ મુદ્દે અસહકાર આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં તેઓ આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે, પણ પેનડાઉન કાર્યક્રમ અંતર્ગત રિપોર્ટિંગ નથી કરી રહ્યા.

ચીખલી તાલુકાના રાનકુવા પ્રાથમિક કેન્દ્રમાં કાર્યરત આરોગ્યકર્મી મંજુલાબેન આહીર અને જયનાબેન પટેલે તેમના કાર્યક્ષેત્રમાં આવતા બામણવેલ ગામના 40 વર્ષીય ભાગ્યશ્રીબેન પટેલને એપ્રિલ અને મે મહિનામાં મળી તેમની ગર્ભાવસ્થાની માહિતી મેળવી હતી. પરંતુ ભાગ્યશ્રીબેન સગર્ભા ન હોવાથી એમને કોઈ સરકારી સહાય કે એમની સગર્ભા તરીકેની નોંધણી થઈ ન હતી. દરમિયાન ગત 13 મેના રોજ ભાગ્યશ્રીબેનને પગે સોજા આવવાની સાથે જ તેમની તબિયત બગડતાં તેમને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં તેમને 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાયું હતું અને તેમને ચીખલી રેફરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાગ્યશ્રીબેનનું અવસાન થયું હતું.

બાદમાં જિલ્લા આરોગ્ય વિભાગે ભાગ્યશ્રીબેનનું અવસાન રાનકુવાના આરોગ્ય કર્મીઓ મંજુલાબેન અને જયનાબેનની ફરજમાં બેદરકારીને કારણે થયું હોવાનું તારણ કાઢી બંને મહિલા આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરી હતી. જેથી જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ તેમની પડખે ઉભા થયા છે. જેમાં આજે કર્મીઓ જિલ્લા મંડળ અને રાજ્ય મહાસંઘના માર્ગદર્શનમાં જ્યાં સુધી બંને મહિલા આરોગ્યકર્મીઓના સસ્પેન્શન રદ્દ ન થાય ત્યાં સુધી તમામ PHC અને સબ સેન્ટરોમાં આરોગ્ય સેવાઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી હડતાલ પર ઉતરી ગયા છે.

આરોગ્ય કર્મીઓને નોટિસ આપવાનું આ રહ્યું કારણ
નવસારી જિલ્લામાં આવેલા રાનકૂવા ચીખલીના સબ સેન્ટરના બામણવેલ ગામે કોળીવાડમાં રહેતા રાજેશ્વરી દિનેશભાઇ પટેલ (ઉ.વ.40) છેલ્લા 6 માસથી સગર્ભા હતા. જોખમી માતાના લક્ષણ ધરાવતી હોવા છતાં સગર્ભા તરીકે સરકારની આરોગ્ય વિભાગની ટેકનોપ્લસ સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાયું ન હતું અને છેલ્લા 2 માસથી જોખમી માતાની નોંધણી અંગેનો રિપોર્ટ પણ આપ્યો ન હતો. આથી ફરજ બજાવનાર ફિમેલ હેલ્થ વર્કર મંજુલાબેન આહીર, જયનાબેન પટેલ પાસે ફરજમાં બેદરકારી દાખવવા સંદર્ભે નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો.

પતિ-પિતાએ સગર્ભા હોવાનો ઈનકાર કરતો પત્ર આપ્યો
મૃતક રાજેશ્વરીબેનના પતિ દિનેશભાઈ પટેલ અને મૃતકના પિતા કાંતિભાઈ પટેલ (ઘેજ)એ રાજેશ્વરી સગર્ભા હતી તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી ન હતી. જેથી આ બાબતે અમને ખબર ન હોવાથી કોઈ આરોગ્યકર્મી કે આશાવર્કરને તે અંગે જાણ કરી ન હોવાનું લેખિતમાં આરોગ્ય વિભાગને આપ્યું છે.

અમે તેણીના ઘરે જતા છતાં ગર્ભવતી હોવાનું જણાવ્યું ન હતું
અમે ઘણીવાર તેમના ઘરે જતા હતા ત્યારે મોટા ભાગે તેણી પિયરે જ ગયા હોય તેમના પતિને અમે તબિયત બાબતે પૂછતાં તેઓએ માસિક ધર્મ યોગ્ય આવતું હોવાનું જણાવતા હતા. મૃતક બહેનને કબજિયાતની તકલીફ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતાં તેણી ગર્ભવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેણીને ચીખલી રેફરલમાં દાખલ કરાઇ હતી. તેમને બ્લડ પ્રેશરની તકલીફ હોય આ દુર્ઘટના બની. આ બાબતે મૃતકના પિતા અને પતિએ અમને લેખિતમાં તેણી સગર્ભા ન હોવાનું જણાવ્યું હતું. પહેલીવાર સગર્ભા થઈ ત્યારે પણ 7મા માસે આરોગ્ય વિભાગમાં જાણ કરી હતી. - જયનાબેન પટેલ, ફિમેલ હેલ્થ વર્કર, બામણવેલ

અન્ય સમાચારો પણ છે...