પરિવારોના જીવમાં જીવ આવ્યો:હંગેરીથી એરલિફ્ટ કરાયેલા વિદ્યાર્થીઓમાં નવસારીની બે વિદ્યાર્થિનીઓ વતન પરત ફરતાં પરિવારને હાશકારો

નવસારી5 મહિનો પહેલા
  • ચીખલી અને બિલીમોરાની યુવતીઓ યુક્રેનથી ઘરે પરત ફરતાં પરિજનોમાં ખુશીનો માહોલ
  • દીકરી સુરક્ષિત ઘરે આવી એ કુદરતની કૃપા, વિશ્વાસ હતો કે અલ્લાહ એને કાંઈ થવા ન દે - વાલી

યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ શહેરોમાં ફસાયા છે, જેમાં પશ્ચિમ યુક્રેનમાં હજી યુદ્ધની સ્થિતિ હળવી છે, પરંતુ માર્શલ લૉ લાગવાને કારણે વિદ્યાર્થીઓને કરફ્યુની સ્થિતિમાં રહેવું પડ્યું હતું. ત્યારે નવસારીના બિલીમોરાની મેશ્વા ગજ્જર અને ચીખલીના ખેરગામ રોડ પર રહેતી 25 વર્ષીય રાબીયા શેખ ઘરે પરત ફરતા પરિવારને હાશકારો થયો છે.

હાલમાં સમગ્ર વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિને લઈને ચિંતિત બન્યું છે. આ યુદ્ધની અસર ભારતીયોને પણ થઈ છે, કારણ કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન અભ્યાસ અર્થે ગયા હતા. જો કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત ભારત લાવવા માટે મોદી સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ છે, જેમાં હંગેરીથી એરલિફ્ટ કરાયેલા વિદ્યાર્થીઓમાં નવસારીની બે વિદ્યાર્થીનીઓ ઘરે આવતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.

યુક્રેનથી સુરક્ષિત ફરેલી રાબીયાએ ત્યાંની સ્થિતિ વર્ણવી હતી. ઉઝહોરર નેશનલ મેડિકલ કોલેજમાં MBBSની ડિગ્રીને છેલ્લા ત્રણ મહિના જ બાકી હતા અને યુદ્ધ ફાટી નીકળતાં ભયનો માહોલ હતો. અમારી કોલેજના કોન્ટ્રાક્ટર ડો. અમરીન્દ્ર ઢીલ્લોને ભારતીય વિદ્યાર્થીઓ માટે બસ કરી હતી, જેમાં યુક્રેનિયન ડ્રાઈવરની મદદથી અમે હંગેરી પહોંચ્યા હતા. જ્યાંથી ભારતીય દુતાવાસની મદદથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી ગુજરાત સરકારની મદદથી હું ઘરે પરત ફરી છું. રાબીયાની માતાએ કહ્યું હતું કે દીકરી સુરક્ષિત ઘરે આવી એ કુદરતની કૃપા છે. મને વિશ્વાસ હતો કે અલ્લાહ એને કાંઈ થવા ન દે. આજે મારી દીકરી ઘરે પહોંચી છે, જેની ઘણી ખુશી છે.

અન્ય સમાચારો પણ છે...