નિર્ણય:સતત બે દિવસથી ટેકનિકલ ક્ષતિ સર્જાતા યુનિ.ની તમામ મોક ટેસ્ટ હાલ પૂરતી રદ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ બાદ નવા ટાઈમટેબલ મુજબ તબક્કાવાર પરીક્ષા લેવાશે

નવસારી સહિત સમગ્ર દ.ગુ.માં વીર નર્મદ યુનિ.માં કોરોનાના કારણે ઓફલાઇનના બદલે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરાયું હતું. જ્યારે નાપાસ, એટીકેટી-ફાઈનલ વર્ષના છાત્રોની પરીક્ષા ઓનલાઇન લેવાનું આયોજન કરાયું છે. પરીક્ષા અગાઉ કોઈ મુશ્કેલી છે કે કેમ તે બાબતે મોક ટેસ્ટનું ઓનલાઇન આયોજન કરાયું હતું પરંતુ આ મોક ટેસ્ટમાં બે દિવસથી ટેકનિકલ ક્ષતિ આવતા છાત્રો હેરાન થયા હતા. આખરે દ.ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને માત્ર બીએડની 14મી જૂને ઓનલાઇન પરીક્ષા લેવાશે, જ્યારે મેડિકલ ફેકલ્ટી સિવાયની તમામ મોક ટેસ્ટ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. એક સપ્તાહ બાદ નવું ટાઈમ ટેબલ મુકાશે.

સુરત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 300થી વધુ કોલેજ આવેલી છે. જેમાં હાલ કોરોનાના કારણે ફાઈનલ વર્ષની પરીક્ષા અને નાપાસ કે એટીકેટીવાળા છાત્રો માટે ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. આ છાત્રોને ઓનલાઇન પરીક્ષામાં કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ઓનલાઇન મોકટેસ્ટનું આયોજન કરાયું હતું.

બે દિવસ મોક ટેસ્ટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા છાત્રો હેરાન થતા હેલ્પલાઇન પર ફોન કર્યા હતા પરંતુ કોઈએ રિસિવ કર્યા ન હતા. જેથી છાત્રોને મુશ્કેલી ઉભી નહીં થાય તે માટે સરળ પ્રોસેસનો ઉપયોગ કરવા અપીલ કરતા પત્ર લખાયા હતા. જેને લઈને વીર નર્મદ યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા મોક ટેસ્ટ મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી હતી. આ નિર્ણયને પગલે છાત્રો પણ અવઢવમાં મૂકાયા હોવાની માહિતી મળી છે.

બીએડ સેમેસ્ટર-1ની ઓનલાઇન પરીક્ષા યથાવત રહેશે
વીર નર્મદ યુનિવર્સિટી મોક ટેસ્ટમાં સતત બે દિવસ ફેઈલ જતા ક્યાં ક્ષતિ રહી ગઈ તે બાબતે તપાસ કરે તે પહેલાં મોક ટેસ્ટ જ મોકૂફ કરી દીધી છે. પરિપત્રમાં જણાવ્યું કે 12મી જૂને એકેડેમિક કાઉન્સિલના ઠરાવ-13 મુજબ 14મી જૂનથી શરૂ થતી બીએડ સેમેસ્ટર-1ની ઓનલાઇન પરીક્ષા યથાવત રહેશે. બાકી પરીક્ષા મેડિકલ ફેકલ્ટી સિવાય અને તમામ મોક ટેસ્ટ મોકૂફ રાખઇ છે. હવે પછીની ઓનલાઇન પરીક્ષા તથા મોક ટેસ્ટનું નવું સમયપત્રક યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...