નવસારી પોલીસના બોડીવોર્મ કેમેરા અને વિશ્વાસ પ્રોજેકટ હેઠળના તમામ સીસીટીવી કેમેરાનું સંચાલન ગાંધીનગરમાં ત્રિનેત્ર કમાન્ડ કંટ્રોલમાં થાય છે. એ જ રીતે અનાજની હેરફેર અટકાવવા ગોડાઉનમાં લગાવેલા કેમેરાનું સીધુ મોનિટરીંગ ગોડાઉન મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી કરી શકાશે. આ સાથે જ ગાંધીનગર પુરવઠા નિગમની કચેરીમા પણ એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જેમા દેશની બીજી સૌથી મોટી સ્ક્રિન લગાવાની તૈયારી કરાઈ રહી છે. જેમાં ગોડાઉનમાં આવતા વાહનો અને તેના જથ્થા પર નજર રખાશે.
વધુમાં પુરવઠા વિભાગના વાહનોને પણ GPS સજ્જ કરાશે. નવસારી જિલ્લામાં અનાજની ગેરરીતિ અટકાવવા રાજ્ય સરકારના પાયલોટ પ્રોજેકટ હેઠળ 6 અનાજના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે.
નવસારી સહિત સમગ્ર રાજ્યમાં આવેલ અનાજ ના ગોડાઉનમાં અનાજ હેરફેરમાં ગેરરીતિ ડામવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તમામ 248 ગોડાઉનમાં આશરે 6800 કેમેરા લગાવી પણ દેવાયા છે. એટલું જ નહીં જિલ્લા લેવલે આ કેમેરના મોનિટરીંગ સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે.
ત્યારે રાજય લેવલે હેડ ઓફિસમાં સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જ્યાં રાજ્યના તમામ ગોડાઉનનું મોનિટરીંગ થશે. સરકારી ગોડાઉનમાંથી સગેવગે થતા અનાજને અટકાવવા અને ગેરરીતિઓને નાથવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ હવે આધુનિક સાધનોથી આ દુષણ સામે સજ્જ થશે.
રાજ્યના પુરવઠા હસ્તકના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેનુ સીધુ મોનિટરીંગ ગાંધીનગરમાં બનનારા કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી કરાશે. સસ્તા અનાજમાં મોટાપાયે ગેરરીતિની રાવ બાદ હવે અંદાજે 100 કરોડના ખર્ચે રાજ્યના તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવાનુ કામ પુર્ણ થવાના આરે છે. જ્યા ગોડાઉનની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે.
દશેરા ટેકરીના ગોડાઉનમાં 18 કેમેરા લગાવાયા
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ અનાજના ગોડાઉનમાં પણ 18 જેટલા કેમેરા લગાવાયા છે. સરકારના પાયલોટ પ્રોજેકટમાં જિલ્લામાં આવેલ નવસારી, ઇટાળવા,અમલસાડ, બીલીમોરા, ચીખલી અને વાંસદા સહિત 6 અનાજના ગોડાઉન ઉપર પણ સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી ચાલી રહી છે. સરકારી અનાજના ગોડાઉનના વાહનો પણ જીપીએસથી સજ્જ છે. > મણીલાલભાઈ, મેનેજર, નવસારી સરકારી અનાજ ગોડાઉન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.