નવસારી જિલ્લામાં તમામ 394 ગામોને 11 જૂથ પાણી યોજના થકી પીવાનું મીઠું અને ફિલ્ટર પાણી આપવામાં આવશે.આ યોજનાઓમાં કેટલીકનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી 10મીએ કરશે. નવસારી જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણી આપવા સરકારે અનેક યોજના બનાવી છે, જોકે તે તમામમાં ડેમના પાણીને ફિલ્ટર કરી શુદ્ધ, મીઠું પાણી અપાતું નથી.
હવે જિલ્લાના તમામ 394 ગામડાઓને ફિલ્ટર શુદ્ધ પાણી આગામી સમયમાં મળી શકશે. સરકારે જિલ્લા માટે દમણગંગા બલ્ક અને કાકરાપાર બલ્કની પાણી યોજના બનાવી છે. દમણગંગા યોજનામાં દમણગંગા ડેમના પાણીથી 8 જેટલી જૂથ પાણી યોજના દ્વારા જિલ્લાના 215 ગામોને પાણી આપવામાં આવશે. કાકરાપાર યોજનામાં કાકરાપાર ડેમમાંથી 3 જૂથ યોજના થકી 179 ગામોને પીવાનું મીઠું અને ફિલ્ટર પાણી આપવામાં આવશે.
જિલ્લાની સૌથી મનાતી આ પાણી યોજના પાછળ 1 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. આ યોજનાને સરકારી મંજૂરી મળી ગઈ છે. કેટલાકના ટેન્ડર નીકળી ગયા છે, કેટલાકના પ્રોસેસમાં છે. આગામી 10મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચીખલીના ખુડવેલમાં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેમાં કેટલીક જૂથ યોજનાનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે થશે.
આ રીતે પાણી અપાશે
જે આ મેગા પાણી યોજના બનાવવામાં આવી છે તેમાં લોકોને મીઠુ, શુદ્ધ પાણી આપવા માટે વિશાળ નેટવર્ક ઉભુ કરાશે. જેમાં ડેમ પાઈપલાઈન મારફત પાણી લાવી ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી પાણી આપવામાં આવશે.
દૈનિક પ્રતિ વ્યક્તિ 100 લિટર પાણી અપાશે
જિલ્લામાં 125 ગામોને જોડતી જૂથ યોજનાઓ તો છે જ પરંતુ હાલ સુધી ત્યાં દૈનિક પ્રતિવ્યક્તિ 60 લિટર જેટલું પાણી આપવામાં આવે છે, જોકે આ યોજના થકી હવે તમામને પ્રતિ વ્યક્તિદીઠ દૈનિક 100 લિટર પાણી આપી શકાશે.
હવે સમગ્ર યોજના ડેમના પાણી આધારિત
હાલ પણ જિલ્લામાં 125 જેટલા ગામોને અસર કરતી અલગ અલગ જૂથ પાણી યોજનાઓ ચાલી રહી છે. જેમાં શુદ્ધ મીઠુ પાણી આપવામાં આવી રહ્યું છે. અન્ય ગામોમાં સ્વતંત્ર પાણી યોજનાઓ કાર્યરત છે. જે માટેના પાણીના સ્ત્રોત અલગ અલગ છે. જોકે, હવે સમગ્ર જિલ્લાના તમામ ગામો માટે જૂથ પાણી યોજના ડેમના પાણી આધારિત બનાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.