નવસારી જિલ્લામાં કિસાન સન્માન નિધિ અંતર્ગત વર્ષે 6000 રૂપિયાનો લાભ લેનારાઓ એ હવે ફરજિયાત આધાર ખરાઈ કરાવવું પડશે. આજથી આશરે 3 વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે ખેડૂતો માટે શરૂ કરેલ કિસાન સન્માનનિધિનો જિલ્લામાં હાલ 1.40 લાખ લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે અને તેઓના બેન્ક ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા જમા થઈ રહ્યા છે.
હવે સરકારે આ યોજના માટે નવા દિશાસૂચન જારી કર્યા છે,જે અંતર્ગત કિસાન સન્માન નિધિના દરેક લાભાર્થીઓએ હવે ફરજિયાત આધાર e KYC કરાવવાનું રહેશે. એટલું જ નહીં પણ આગામી એપ્રિલ 2022 થી આધાર બેઝડ પેમેન્ટ અનુસાર કરવામાં આવશે તેથી લાભાર્થીઓ ફરજિયાત બેન્ક ખાતું આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે.જેથી બેન્ક ખાતા આધાર સિડિંગ કરાવવા સરકારે જણાવ્યું છે.
ગેરરીતિ રોકવા આધાર ખરાઈનો નિર્ણય
યોજના શરૂ ત્યારથી દેશમાં ગેરરીતિ યા ખોટો લાભ લેવાયાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. એક થી વધુ જગ્યાએ પણ કેટલાકે લાભ મેળવ્યાનુ જાણવા મળ્યું છે તેથી આધાર થકી ખરાઈ કરવા સરકારે e-KYC અને બેન્ક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવાનો નિર્ણય કર્યાનું જાણવા મળ્યું છે.
આધાર e KYC આ રીતે થશે
બેન્ક ખાતા સાથે આધાર લિંક તો બેંકમાં થશે પણ આધાર e KYC માટે ખેડૂતોએ બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન ધરાવતા કોમન સર્વિસ સેન્ટર ઉપર જવું પડશે અને ત્યાં થઈ શકશે,જોકે તેનો ચાર્જ લાભાર્થીએ આપવાનો રહેશે.
3 વર્ષમાં લાભાર્થી બમણા થઈ ગયા
કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ થઈ ત્યારે નવસારી જિલ્લામાં 68 હજાર જેટલા ખેડૂત લાભાર્થી હતા,જે ક્રમશઃ વધતા ગયા છે અને આજે 1.40 લાખ થઈ ગયા છે. વર્ષે 75 કરોડ રૂપિયાથી વધુ રકમ યોજના હેઠળ ચૂકવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.