એકવાર મુલાકાત લેવા જેવું સ્થળ:વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ પાસે આવેલું પર્યટકોને આકર્ષતુ સ્થળ 'અજમલગઢ', ચોમાસા દરમિયાન અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજમલગઢ પર બેસી અલૌકિક શાંતિ અને કુદરતી સાંનિધ્યનો આનંદ માણી શકે છે

નવસારીના વાંસદા નજીક આવેલા ઘોડમાળ ગામ પાસેનું અજમલગઢ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોમાસાના કારણે અહીં આસપાસની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પર્યટકો અહીં આવી મનભરીને મજા માણી રહ્યા છે.

શિવાજી મહારાજ અજમલગઢનો સૈન્ય છાવણી તરીકે ઉપયોગ કરતા
નવસારીથી આશરે 68 કિ.મી.ના અંતરે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલો "અજમલગઢ" સહ્યાદ્રિ પર્વતમાળા દક્ષિણ પૂર્વે ઉપર તેની ઐતિહાસિક તેમજ ભૌગોલિક અને સૃષ્ટિ સૌદર્ય કારણે અદભૂત લાગે છે. જે દરિયાની સપાટીથી અંદાજે 1200 ફૂટ જેટલી ઉંચાઇ ધરાવે છે.અજમલગઢ વાસ્તવમાં શિવાજી મહારાજનો કિલ્લો હતો. જેને અજમલખાન નામનો સિપેહસલાહ સંભાળતો હોવાથી અજમલગઢ કહેવાય છે. અજમલગઢ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા યુગ દરમિયાન ગેરીલા પધ્ધતિથી ત્રાટકવા સૈન્ય છાવણી અર્થે ઉપયોગ કરતા, જેના અવશેષો રૂપે શિવાજીના આરાધ્ય દેવ શિવલીંગ તેમજ ગઢની ફરતે લંબચોરસ પથ્થરોથી બાંધેલા કોટના પાયા તેમજ જળસ્ત્રોત અર્થેના ટાંકા તેમજ પારસી સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે.

મરાઠી અને પારસીઓ સાથે સંકળાયેલો છે ઈતિહાસ
અજમલગઢ નો ઇતિહાસ મરાઠાઓ અને પારસીઓના ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલો છે. ઇ.સ.15મી સદી દરમિયાન ઇરાનમાંથી સંજાણ બંદરે ઉતરીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓ આ ડુંગરની ધરામાં મોગલ, પોર્ટુગીઝ તેમજ ફીરંગીઓથી બચવા તેઓના પવિત્ર અગ્નિ ઇરાનશા આતશને બચાવવા માટે આ ડુંગર ઉપર આશ્રય લીધો હતો. આ દરમિયાન વાંસદાના રાજા શ્રીમંત કિર્તિદેવના શાસન દરમિયાન આશ્રય મળ્યો હતો.

ચોમાસા દરમિયાન વાંસદામાં જોવા મળે છે નયનરમ્ય નજારો
વાંસદા તાલુકો ચોમાસાની ઋતુ દરમિયાન સૌંદર્યથી ખીલી ઉઠે છે. ચોમાસુ શરૂ થતા જ અહિંનો નજારો કંઇક જુદો જ જોવા મળે છે. કુદરતે વાંસદા તાલુકાને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે. સહેલાણીઓએ કુદરતી નજરો માણવો હોઇ તો અજમલગઢ જઇ આનંદ માણી શકે છે. જ્યાં નિરાંતે બેસીને અલૌકિક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય. અજમલગઢની ટોચ ઉપરથી કેલિયાડેમનો સૌંદર્ય જોતા મનને લોભાવે છે. અહીં રામજીમંદિર તથા શિવમંદિર પણ છે. શિવરાત્રિ પર્વ દરમિયાન મેળો પણ ભરાઇ છે. વાંસદાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિનો આ નજારો ધરતીના સ્વર્ગ સમા કાશ્મીરની યાદ તાજી કરાવી જાય છે. ચોમાસાની ઋતુમાં એકવાર તો અજમલઢ તો અવશ્ય જવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...