હાઇવે ઓથોરિટીને ચીમકી:લાખોનો ટેક્સ લેવા છતાં હાઇવે પર ખાડા ન પૂરાય તો આંદોલન

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી ચેમ્બર ઓફ કોમર્સની માર્ગની મરામતને અભાવે હાઇવે ઓથોરિટીને ચીમકી

નવસારીના ને.હા.નંબર 48 પર તાજેતરમાં વરસાદના કારણે મુખ્ય માર્ગો પર ખાડા પડતા તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ અંગે જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સની હાઇવે ઓથોરિટીને અગાઉ રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆત છતાં કોઈ પગલાં નહીં લેવાતા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

તાજેતરમાં પડેલા વરસાદને કારણે સમગ્ર નવસારી જિલ્લામાં રસ્તાઓ પર પણ અસર થઈ છે. જેમાં રાજમાર્ગો પર પણ ખાડા પડયા છે અને નવસારી નગરપાલિકા, સ્ટેટ હાઇવે અને ને.હા.નં. 48 પર પણ રસ્તાઓ જર્જરિત થયા છે. અગાઉ આપ દ્વારા નવસારી શહેરમાં રસ્તા બાબતે પોસ્ટર વોર શરૂ થયું હતું અને હવે નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સે પણ ને.હા.નંબર-48 પર ખાડા પડતા અને એકમાર્ગીય રસ્તો પણ હાઇવે ઓથોરિટી દ્વારા બંધ કરી દેવામાં આવતા મેદાને આવીને તુરંત તેનું રિપેરીંગ કામ થાય અને જો ત્વરિત કામ કરી પ્રજાની મુશ્કેલીઓ નહીં નિવારે તો સ્થાનિક રાજકીય પદાધિકારીઓ, મહાજનોની આગેવાનીમાં વાહનચાલકોના હિતમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતું આવેદનપત્ર કલેકટરને સોંપી રજૂઆત કરી હતી.

નવસારી જિલ્લામાંથી આશરે 40 થી વધુ કિમીનો.ને.હા. નં. 48 પસાર થાય છે અને તાજેતરમાં પડેલા વરસાદ ને કારણે રસ્તાને નુકસાન થયું છે. જેમાં નવસારીના ધોળાપીપળા પાસે રાષ્ટ્રીય હાઇવે પર ખાડા પડતા અવારનવાર અકસ્માત થતા હાઇવે ઓથોરીટી દ્વારા આ રસ્તો વાંસ અને પતરા વડે બંધ કરી દેવામાં આવ્યો હતો.

જેને 3 સપ્તાહ થવા આવ્યાં પણ આ માર્ગનું રિપેરીગ કામ નહીં કરતા હવે નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ પણ આ હાઇવે રિપેરીંગ કરવા માટે આગળ આવ્યા છે અને કલેકટર ને પણ રજૂઆત કરી તાત્કાલિક રીપેર કરાવો નહિતર આંદોલન કરીશું તેમ જણાવતા હાલ રાજકીય ગરમાટો ફેલાયો છે.

નવસારી કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું કે વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતા હાઇવે નંબર-48 પર અને ઘણી જગ્યાએ મોટા ખાડા પડવાથી જર્જરિત થયા પણ રિપેરીંગ કરવામાં આવ્યું નથી. ધોળાપીપળા પાસે ઓવરબ્રિજ બંધ કરવાની નોબત આવી હતી. જેને લઈ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સને રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે અપીલ કરવાની રજૂઆત કરવાની ફરજ પડી છે.

અેક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે
નવસારીમાંથી પસાર થતા હાઇવે નંબર 48 પર પડેલા ખાડાને કારણે માર્ગો બિસ્માર થયા છે. અમે રજૂઆત કરી અને કલેકટરને જણાવતા તેઓએ જેમ બને તેમ રિપેરીંગ કામ કરી રસ્તા ઓપન કરીશું તેમ જણાવ્યું હતું. આ બાબતે સ્થાનિક 1 સાંસદ 3 ધારાસભ્યોને અમે રજૂઆત કરી છે. જેમ બને તેમ જલ્દી રિપેરીંગ થાય તેમ જણાવ્યું છે. ટોલટેક્સ લઈને પણ રસ્તા રિપેર નહીં કરે તો અમે સપ્તાહ બાદ રસ્તા રોકો આંદોલન કરીશું. > ભરતભાઈ સુખડીયા, પ્રમુખ, નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ

અન્ય સમાચારો પણ છે...