નવસારીમાં બે દિવસની જગ્યાએ સતત ત્રીજા દિવસે પણ એક જ ટાઇમ પાણી પાલિકાએ આપતા પૂર્વ વિભાગના લોકોની મુશ્કેલી જારી રહી હતી. નવસારી પાલિકાના દુધિયા તળાવ સ્થિત વોટર વર્કસમાં બેકવોશ ની મરામતની કામગીરી કરવાની હોય પાલિકાએ 14 અને 15 માર્ચે જૂની નવસારી પાલિકાના પૂર્વ વિભાગમાં (પશ્ચિમ વિભાગ, વિજલપોર અને 8 ગામ સિવાય) એક જ ટાઇમ પાણી પુરવઠો આપવાની જાહેરાત કરી હતી.
અગાઉથી જાહેરાત કરાઈ હોય બે દિવસ માટે તો શહેરીજનોએ તૈયારી કરી હતી. જોકે મરામતની કામગીરી પૂર્ણ થઈ નહીં હોય સતત ત્રીજા દિવસે 16મીએ પણ બપોર સુધીમાં પાણી નહીં મળતા શહેરીજનો અકળાઈ ગયા હતા. ઉનાળાની મોસમ હોય પાણીની જરૂરિયાત પણ વધી હોવાને કારણે અચાનક ત્રીજા દિવસે પણ પાણીકાપ મુકાતા લોકોની તકલીફ વધી હતી.
16મીએ બપોરે કામગીરી પૂરી થયા બાદ બપોર પછી પાલિકા પાણી આપી શકી હતી. જોકે એક જ ટાઇમ આપી શકી હતી. અહી ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિભાગમાં સતત ત્રણ દિવસ પાણીની હાલાકીને લઇ અનેક વિસ્તારમાં પાણીની બૂમરાણ પડતા ટેન્કર દોડાવવા પડ્યા હતા. રોજ 25 જેટલા પાણીના ટેન્કરોથી લોકોને પાણી આપવાની ફરજ પડી હતી.
વાસણ ધોવા વેચાતુ પાણી લેવું પડ્યું
બે દિવસ ની તો તૈયારી લોકોની હતા પણ આજે 16મીએ પણ પાણી સાંજ સુધી ન મળતા અમારા દાંડીવાડ જેવા વિસ્તારમાં લોકોની હાલત ભારે કફોડી થઇ ગઇ હતી. લોકોએ વાસણ ધોવા પણ વેચાતું પાણી લેવું પડ્યું હતું. પાણીના વિનામૂલ્યે ટેન્કરો પણ અમારા વિસ્તારમાં મળ્યા ન હતા. > તેજલ રાઠોડ, નગરસેવક, વોર્ડ નં.4 નગરપાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.