કોરોનાએ માથું ઊંચક્યું:નવસારી જિલ્લામાં એક જ દિવસે રસીના બન્ને ડોઝ લેનાર 4 જણા કોરોના પોઝિટિવ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા 3 કેસ વાંસદા તાલુકાના અને એક કેસ ચીખલી તાલુકાનો, એક્ટિવ કેસોની સંખ્યા 7 થઇ
  • સંપૂર્ણ વેક્સિનેટેડ પણ તકેદારી ન રાખે તો જોખમ, કોવિડ રસી લીધેલ હોય તેવા દર્દીઓની સ્થિતિ સારી

નવસારી જિલ્લામાં શનિવારે એક જ દિવસે કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. નોંધનીય બાબત એ છે કે પોઝિટિવ તમામે રસીના બન્ને ડોઝ લીધેલ હોય સ્થિતિ સારી છે.

દિવાળી બાદના શુક્રવાર સુધીના 5 દિવસ દરમિયાન જિલ્લામાં માત્ર 2 જ કેસ નોંધાયા હતા. જોકે શનિવારે એક જ દિવસે 4 પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. જે કેસ સરકારી ચોપડે નોંધાયા તેમાં વાંસદા તાલુકાના 3 કેસ છે, જેમાં રંગપુર ગામનો 21 વર્ષીય અને 34 વર્ષીય પુરુષ ઉપરાંત વાસકુઈ ગામનો 32 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. ચીખલી તાલુકાના રેઠવાણિયાની 33 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે 4 કેસ બહાર આવ્યા તે તમામ દર્દીએ રસીના બન્ને ડોઝ લીધા છે. જોકે રસી લીધેલ હોય દર્દીઓની સ્થિતિ સારી રહી છે. આ બાબત એ પણ પ્રસ્થાપિત કરે છે કે રસીના બન્ને ડોઝ લેવા છતાં પણ સંક્રમણ થઈ શકે છે અને તેથી તકેદારી રાખવી જરૂરી છે. વધુ 4 કેસોની સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 7254 થઈ છે. કુલ રિકવર સંખ્યા 7054 જ રહી છે. એક્ટિવ કેસ વધી 7 થયા છે, જેમાં 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 4 જણા હોમ આઇસોલેશનમાં છે.

દિવાળીમાં ફરવા ગયેલાનો કરાતો ટેસ્ટ
હાલ દિવાળીની મોસમમાં જિલ્લામાં ઘણાં લોકો જિલ્લા, રાજ્ય બહાર યા દેશ બહાર ફરવા ગયા હતા. જેમાંથી કેટલાક પરત આવી ગયા છે અને કેટલાક હવે આવશે. આ સ્થિતિમાં સરકારે બહારગામથી પરત આવેલાઓનો કોવિડ ટેસ્ટ કરવાની સૂચના તંત્રને આપી છે. વધુમાં ટુરીસ્ટ પ્લેસ યા જ્યાં વધુ લોકો ભેગા થાય ત્યાં પણ ટેસ્ટ કરવાની સૂચના આપી છે.​​​​​​​

1 હજારે 800 RTPCR ટેસ્ટ થાય છે
ભૂતકાળમાં જિલ્લામાં જે કોવિડ ટેસ્ટ કરાતા હતા. તેમાં આરટીપીસીઆર ટેસ્ટ કરતા રેપીડ એન્ટીજન ટેસ્ટ વધુ કરાતા હતા. જોકે કેટલાક સમયથી વધુ વિશ્વસનીય આરટીપીસીઆર ટેસ્ટ જ વધુ કરાય છે. મળતી માહિતી મુજબ દર 1 હજારે 700થી 800 આરટીપીસીઆર ટેસ્ટ જ વધુ કરાય છે. ​​​​​​​

સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો હાલ ટેસ્ટ નહીં
18 વર્ષથી નીચેની વયના છોકરાઓને રસી મુકાઈ નથી. આ સ્થિતિમાં થોડા દિવસો અગાઉ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાતો હતો. જેમાં કેટલાક પોઝિટિવ પણ આવ્યાં હતા. જોકે હાલ દિવાળીનું વેકેશન હોય શાળાઓ બંધ છે તેથી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ટેસ્ટ બંધ છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...