'મોદી... નરેન્દ્ર મોદી...એ તો ગરવી ગુજરાતનો રાજા કહેવાય..'ની ધૂનમાં ગણદેવીના માછિયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગામલોકોએ મોદીના નામનાં ભજન-કીર્તન ગાયાં હતાં, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. લોકોએ ભજનમાં મોદીની યશગાથાની કહાની પણ વર્ણવી હતી.
મોદીના નામનાં ભજન ગવાયાં
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રેલીઓ અને સભાઓ ગજવીને ભાજપને વધુમાં વધુ મત મળે અને મતદારો ભાજપતરફી રહે એવા પ્રયાસો કર્યા હતા, જેના પરિણામે રાજ્યમાં ભાજપને ઐતિહાસિક જીત મળી હતી. ભાજપે 156 જેટલી બેઠક કબજે કરી હતી અને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગણદેવી તાલુકાના માછિયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતાં, જેને લઈ લોકોમાં કુતૂહલ જાગ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા અપાર
ભાજપની પ્રચંડ જીત બાદ માછિયાવાસણ ગામે ગ્રામજનોએ રાધાકૃષ્ણ મંદિરમાં આનંદભેર મોદીના નામનાં ભજન લલકાર્યાં હતાં. આ ભજન-કીર્તનમાં NRI પણ જોડાયા હતા. વિદેશથી આવેલા ભારતીયોએ પણ મોદીના નામનાં કીર્તન ગાયાં હતાં. દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એ હદે વધી છે કે લોકો હવે ધાર્મિક મંદિરોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કીર્તનો ગાતાં થઈ ગયાં છે.
ઢોલક અને ખંજરીના તાલે ભજન-કીર્તન ગવાયાં
ગંગા મૈયા થીમ પર બનાવેલા આ કીર્તનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશગાથાની કહાની ભજન-કીર્તનના રૂપમાં ગાવામાં આવી હતી. દેશ-વિદેશમાં વડાપ્રધાને કરેલાં કાર્યોની વાહ વાહી આ કીર્તનમાં જોવા મળે છે. ગામની બે વ્યક્તિ મંદિરના કેન્દ્રમાં ઊભી રહીને ભજન ગાઇ રહી છે તો આજુબાજુ ગામનાં મહિલા-પુરુષો ઢોલક અને ખંજરીના તાલે નરેન્દ્ર મોદી નામના કીર્તન ઉત્સવ ઉમંગમાં ગાતા નજરે ચડ્યા હતા.
નવસારીમાં ભાજપે 4 પૈકી 3 બેઠક જીતી
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નવસારીની 4 બેઠકમાંથી 3 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે માત્ર એક બેઠક પર કોંગ્રેસ જીત મેળવવામાં સફળ થઈ હતી. જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી હતી. નવસારીમાં જીત મેળવનારા ચારેય ઉમેદવારમાં 176 ગણદેવીના ઉમેદવારને મળ્યા સૌથી વધુ મત મળ્યા હતા. ગણદેવીના ભાજપના ઉમેદવાર નરેશ પટેલને 1 લાખ 30 હજાર 531 મત મળ્યા હતા. તેની સામે વાંસદાના ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલને 88 હજાર 967 મતો મળ્યા. ત્યારે બીજી તરફ ગણદેવીમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મતો મળ્યા હતા. કોંગ્રેસના અશોક પટેલના 31 હજાર 702 મતની સામે આપના પંકજ પટેલને 37 હજાર 248 મતો મળ્યા હતા. આપના પંકજ પટેલને કોંગ્રેસ કરતાં 454 વધુ મતો મળ્યા. જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર કુલ 14 હજાર 084 મતો નોટામાં પડ્યા, જેમાં નોટામાં સૌથી વધુ 3 હજાર 795 મત વાંસદા બેઠક પર નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.