નવસારીના અંચેલી ગામે 11 માસથી ટ્રેનોના સ્ટોપેજ બાબતે ગ્રામજનોએ સાંસદ સહિત અગ્રણીઓની વારંવાર રજૂઆત બાદ કોઈ પગલાં નહીં લેતા બહિષ્કાર અંગે સમજાવવા ગયેલા ભાજપી અગ્રણીઓને સ્થાનિકોએ આડેહાથ લઈ તેમની વ્યથા રજૂ કરી હતી. ગુરૂવારે મહિલાઓ પણ આગળ આવી ટ્રેનોના સ્ટોપેજ નહીં તો મત નહીં અને તે પણ ચૂંટણી પહેલા જ સ્ટોપેજ મળે તેવા આગ્રહથી જિલ્લામાં ચર્ચાને સ્થાન મળ્યું છે.
નવસારી જિલ્લામાં અંચેલી ગામમાં ચૂંટણી બહિષ્કારના નિર્ણય પર ગ્રામજનો હજી પણ અડીખમ છે. નવસારી અને અમલસાડ વચ્ચે આવેલા અંચેલી રેલવે સ્ટેશન પર કોરોના કાળ પહેલા જે ટ્રેનો ચાલી આવી હતી. તે કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી પરંતુ બંધ થયેલી ટ્રેનો અંચેલી રેલવે સ્ટેશન પર ફરીથી શરૂ કરવાની વારંવાર રજૂઆતો કરવા છતાં અંચેલી ગામના લોકોની ટ્રેન સ્ટોપેજની માંગણી પૂરી નહીં થતાં ગ્રામજનોએ ચૂંટણી સમયે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને અંચેલી ગામ સહિત અંચેલી રેલવે સ્ટેશનથી અપડાઉન કરતા 19 ગામોનાં લોકોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગ્રામજનોને સૌથી વધુ રોષ ભાજપના શાસકો પર હોવાનું પણ કહેવાય રહ્યું છે, કારણ કે કેન્દ્ર-રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ગ્રામજનોની માંગણી પૂરી કરવામાં આવી નથી ત્યારે નારાજ મતદારોને રીઝવવા માટે અંચેલી ગામે ગયેલા ભાજપ જિલ્લા પ્રમુખ અને ભાજપનાં ઉમેદવાર સહિત નવસારી ભાજપનાં હોદ્દેદારો-કાર્યકરોને ગ્રામજનોએ આડે હાથ લીધા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. અંચેલી રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજની માંગણી પૂરી કરવામાં નિષ્ફળ સાબિત થયેલા ભાજપના શાસકોને ગ્રામજનોનાં રોષનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓ આગળ આવતા તેઓએ પણ જાહેર કર્યું કે વાયદા નહીં પરિણામ જોઈએ નહિતર ટ્રેન નહીં તો વોટ નહીં ના નિર્ણય પર તમામ ગ્રામજનો એકમત રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે.
કોરાના બાદ પણ અંચેલી ગામને મહત્વની ટ્રેનના સ્ટોપેજ ન મળતા વિવાદ વકર્યો
નવસારીમાં કોરોના બાદ ટ્રેન વ્યવહાર ધીરે ધીરે શરૂ થયા પણ અંચેલી ગામે ટ્રેનના સ્ટોપેજ મળ્યા ન હતા. સ્થાનિકોની માંગમાં અંચેલી રેલવે સ્ટેશને મુંબઈથી સુરત જતી 19101-વિરાર ભરૂચ મેમુ સવારે 7.55 અને 19001-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ સાંજે 9.45 કલાક અને સુરતથી મુંબઈ જતી 19102-સુરત વિરાર મેમુ સાંજે 5.35 અને 19002 વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ સવારે 5.20ના સમયવાળી ટ્રેનોના સ્ટોપેજ માટે માંગણી કરી હતી. આ ટ્રેનોના સ્ટોપેજ મળે તો અંચેલી પંથકના લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ શકે છે.
નોકરિયાત છાત્રો માટે ટ્રેન મહત્વની
હાલમાં અંચેલી ગામ સહિત 19 ગામોના નોકરિયાતો અને છાત્રો માટે અગત્યની ટ્રેનો માટે અમારા ગામોની રજૂઆત 11 માસથી કરી રહ્યાં છે. ટ્રેનોના સ્ટોપેજ મળે તો આ પંથકના લોકોને ફાયદો થાય. હાલ મુસીબત વેઠી રહ્યાં છે. જો આ બાબતે કોઈ પણ પગલાં નહીં લેવાય તો ગ્રામજનો એકપણ મત નહીં આપે, મતપેટી ખાલી જશે. >ભારતીબેન પટેલ, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.