જલાલપોર તાલુકા પંચાયત બન્યાના 24 વર્ષ પછી નવી તા. પંચાયતનું પોતાનું નવું મકાન બનશે. 2.14 કરોડના ખર્ચે નવું મકાન બનશે. 1997 ની 2 ઓક્ટોબરે વલસાડથી અલગ નવો નવસારી જિલ્લો બન્યો ત્યારે નવસારી તાલુકાનું પણ બે તાલુકા નવસારી અને જલાલપોરમાં વિભાજન થયું હતું. તાલુકાના વિભાજનની સાથે 1 વર્ષ બાદ તાલુકા પંચાયતો પણ અલગ થઈ છે.
જલાલપોર તાલુકા પંચાયત અલગ થયા બાદ પ્રથમ કેટલાક વર્ષ નવસારી તાલુકા પંચાયતના મકાનમાં જ ચાલી હતી. હવે અલગ જલાલપોર તાલુકા પંચાયત બન્યાના 24 વર્ષ બાદ તેનું પોતાનું અલગ મકાન બનશે. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં સરકારે જગ્યા ફાળવતા અહીં અંદાજે 2.14 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ ફ્લોરનું નવું મકાન બનશે, જેનું ભૂમિપૂજન 18મી મેના રોજ થવાની સાથે કામની શરૂઆત પણ થશે. નવા બિલ્ડીંગમાં અનેક સુવિધાની સાથે વોટર હારવેસ્ટિંગ અને સોલાર પેનલ સાથે ઇલેક્ટ્રીફિકેશન પણ હશે.
અગાઉ અન્ય જગ્યા નક્કી કરાઈ હતી
જ્યારે જલાલપોર તાલુકા પંચાયતનું અલગ મકાન બનાવવાનો નિર્ણય કરાયો ત્યારે પ્રથમ જુનાથાણા વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીની બાજુની જગ્યા નક્કી કરાઈ હતી, જોકે કેટલાક કારણસર તે જગ્યા પડતી મુકાઈ અને બાદમાં આ દશેરા ટેકરી નજીકની નવી જગ્યા પસંદ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.