નવસારી વિજલપોરના બહુચર્ચિત SSVB છેતરપિંડી પ્રકરણમાં હજારો લોકોના અંદાજે 51 કરોડના રોકાણ મુદ્દે આ પ્રકરણ જીપીઆઇડી પાસે મામલો જતા આખરે દાવાઓની લેવાની શરૂઆત કરાશે. વિજલપોર વિસ્તારમાં હેડ ઓફિસ ખોલી ત્રણેક કંપનીઓ ખોલી હતી,જેમાં SSVB બિઝનેસ ઇન્ડિયા લિ. અને SSVB રિટેલ ઇન્ડિયા લિ.નો પણ સમાવેશ થાય છે. આ કંપનીઓ ડિપોઝીટ ઉપર વળતર આપવાનું, લોન વગેરેનું કામ કરતી હતી. જોકે તેઓએ પાકતી મુદતે કેટલાય થાપણદારોને નાણાં પરત નહીં કરવાની વાત બહાર આવી હતી અને એ બાબતે વિજલપોર પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ થઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આ બે કંપનીઓમાં અંદાજે 23 હજાર જેટલા સભાસદો છે તેઓનું અંદાજે 51 કરોડ રૂપિયાનું મસમોટું રોકાણ થયું હોય રોકાણકારોના હિતને ધ્યાને લઈ આ મામલો ધી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (જીપીઆઈડી) એક્ટ હેઠળ લેવામાં આવ્યો હતો. જીપીઆઈડી એક્ટ મુજબ કંપનીની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાયા બાદ ચોક્કસ કેટલા રોકાણકારોના કેટલા નાણાં ફસાયા છે તે જાણવા દાવા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે સક્ષમ અધિકારી તરીકે નવસારીના પ્રાંત અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી છે.
4 શખસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી
આમ તો આ મુદ્દે પાંચેક વર્ષથી નાના વિવાદ શરૂ થયા હતા પણ 2018માં વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં આરોપીઓ તરીકે શ્રીરંગ પ્રકાશ પોલ, વિક્રમ પ્રકાશ પોલ, બાલુભાઇ શ્રીલમ અને વિનોદ સાહેબરાવ રસાળને દર્શાવાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પણ જો કે રોકાણકારોને તેમના નાણાં મળ્યા ન હતા.
અનેક મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી કરાઇ છે
પોલીસ ફરિયાદો થયા બાદ ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ-2003 (જીપીઆઈડી) હેઠળ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 21 જેટલી મિલકતો ઘર, ઓફિસ, ગોડાઉન વગેરે, 4 જેટલા વાહનો ઉપરાંત અનેક બેંક ખાતાઓ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.
17મી જાન્યુ.થી 15મી ફેબ્રુ. સુધી દાવા સ્વીકારાશે
જીપીઆઈડી એક્ટ-2003 હેઠળ રોકાણકારો, ભોગ બનનાર વગેરેના દાવાઓ મંગાવવા કાર્યવાહી કરવા સક્ષમ ઓથોરિટી તરીકે નવસારીના સબડિવિઝનલ મેજીસ્ટ્રેટની નિમણૂક કરાઇ છે. તેમણે તેમની સત્તાની રૂએ એક જાહેર નોટિસ પણ જારી કરી દીધી છે. જેમાં વિજલપોર પીપલ્સ કો. ક્રેડિટ સોસાયટી લિ., SSVB બિઝનેસ ઈન્ડિયા લિ. અને SSVB રિટેલ ઈન્ડિયા લિ.માં છેતરપિંડી થયેલી હોય, ભોગ બનેલા હોય તેમને જરૂરી પુરાવા સાથે 17મી જાન્યુઆરી 2023થી 15મી ફેબ્રુઆરી 2023 દરમિયાન સંસ્કાર ભારતી સ્કૂલ, આશાપુરી મંદિર પાસે, નવસારીમાં દાવો (ક્લેઇમ) નોંધાવવા જણાવ્યું છે. રોકાણકારો અને ભોગ બનેલાઓના દાવાઓ આવ્યા બાદ આગળની કાર્યવાહી કોર્ટ યા અન્ય રીતે થશે એમ જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.